- વાપીમાં દિવાળી બાદ કોરોના ટેસ્ટિંગ શરૂ
- 135 ટીમ કરી રહી છે કોરોના સર્વેલન્સ
- આરોગ્ય વિભાગે 23000 એન્ટીજન ટેસ્ટ કર્યાં
વાપીઃ વાપીમાં કોરોના સંક્રમણને ખાળવા માટે તંત્ર દ્વારા સઘન પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. જેમાં 7,48,024 લોકોનો 21,000 ઘરનો સર્વે કરવામાં આવ્યો છે. આ અંગે વાપી તાલુકાના હેલ્થ ઓફિસર ડૉ. મૌલિક પટેલે વિગતો આપી હતી કે, દિવાળી બાદ વલસાડ જિલ્લામાં પરપ્રાંતીય કામદારનું આવાગમન, સ્થાનિક લોકોની અન્ય રાજ્ય અને પ્રદેશમાં હરવાફરવા માટે આવનજાવન રહી હોય, આરોગ્યવિભાગે મુખ્ય સરહદી સ્થળો ઉપર બૂથ ઉભા કરી સર્વે કામગીરી હાથ ધરી છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 7,48,024 લોકોનો, 21000 ઘરનો સર્વે કર્યો છે. ધનવંતરી રથ દ્વારા પણ 5770 ઘરનો સર્વે કરી 19000ની વસતી કવર કરી છે. 23000 એન્ટીજેન ટેસ્ટ કર્યા છે. અત્યાર સુધીમાં માત્ર એક ટકા જેટલા કેસ જ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.
- આરોગ્યકર્મીઓના ડેટા એકઠા કરાયાં
કોરોના વેકસીનેશન માટે ડેટા એકત્ર કર્યો છે. તો આગામી દિવસમાં કોરોના વેકસીન માટે જે સરકારની ગાઇડ લાઇન છે તે મુજબ હેલ્થ વર્કરોને સૌપ્રથમ કોરોનાની વેકસિન આપવાની હોઇ તાલુકાના 870 આરોગ્ય કર્મીઓનો ડેટા એકત્ર કર્યો છે. સાથે જ આગોતરા આયોજન મુજબ 60 વર્ષથી વધુની ઉંમરના સ્ત્રી-પુરુષો અને નાના બાળકોનો ડેટા પણ એકત્ર કરવાની કામગીરી શરુ થઈ ગઈ છે.
- બૂથ લેવલ અને હાઉસ ટુ હાઉસ સર્વે કામગીરી
જોકે ગુજરાતના અન્ય જિલ્લામાં કોરોનાના બીજા રાઉન્ડમાં જે પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. તેની સરખામણીએ વલસાડ જિલ્લામાં ઓછા કેસ સામે આવતા હોય, તેમજ સાવચેતીના ભાગરૂપે તાલુકામાં 135 જેટલી આરોગ્યની ટીમ કાર્યરત હોય આગામી દિવસોમાં પણ કોરોના પોઝિટિવ દર્દીઓને શોધી યોગ્ય સારવાર આપી શકાય તે માટે બૂથ લેવલે અને હાઉસ ટુ હાઉસની કામગીરી રાબેતા મુજબ ચાલુ હોવાનું તાલુકા હેલ્થ ઓફિસરે જણાવ્યું હતું.
- જિલ્લામાં બહારથી આવે છે સંક્રમિત કેસ
ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લો દાદરા નગર હવેલી અને દમણ એમ બે સંઘપ્રદેશની અને મહારાષ્ટ્ર રાજ્યની સરહદને સ્પર્શતો જિલ્લો છે. અહીં જો બહારથી કોઈ સંક્રમિત કેસ આવે તો તેને તાત્કાલિક સારવાર આપી શકાય તે માટે આરોગ્ય વિભાગ સજાગ છે. ત્યારે લોકો પણ આ અંગે સજાગ રહે તે હાલના કોરોના કાળમાં કોરોનાવાયરસથી બચવાનો ઉત્તમ માર્ગ છે.