ઉમરગામ : વલસાડ જિલ્લાના ઉમરગામમાં ખાબકેલા અનરાધાર વરસાદના પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અનેક નીચાણવાળા વિસ્તારમાં તેમજ ઘરોમાં પાણીનો ભરાવો થયો છે, સંજાણમાં મુંબઈ-અમદાવાદ વચ્ચે બની રહેલ DFCCILની રેલવે લાઈનની માટી ધસી પડતા ટ્રેકને નુકસાન થયું છે. DFCCILના સંજાણ બ્રિજમાં ગાબડું પડ્યા બાદ બનાવેલા સર્વિસ રોડનું પણ પહેલા વરસાદમાં જ ધોવાણ થઈ ગયું છે.
સર્વિસ રોડમાં ખાડા પડ્યા : મેઘરાજાના આ પ્રથમ રાઉન્ડમાં જ થયેલી ખાનાખરાબીમાં તંત્રની બુદ્ધિનું પ્રદર્શન પણ જોવા મળ્યું છે. સંજાણ રેલવે અંડરપાસ નંબર 229 પાસે, વેસ્ટર્ન ડીએફસીની અપ લાઇન પર કરવામાં આવેલું માટી પુરાણ વરસાદને કારણે ધીરે ધીરે ધસી રહ્યું હતું. જેને કારણે રેલ લાઇન તેમજ રેલ બેડનું નુકસાન અટકાવવા અને માટી પુરાણને ધસતું અટકાવવા પ્લાસ્ટિકની ચાદર/કાગળ પાથરી ધસતી માટીને અટકાવવાના નાકામ પ્રયાસો કર્યા હતા.
માટી રોકવા પ્લાસ્ટીક પાથર્યું : DFCCIL કે તેના ઠેકેદારો આ પ્લાસ્ટિકની ચાદર કે કાગળ ઓઢાળી, ધસતી માટીને અટકાવી શકશે ખરાં? શું પવનમાં આ પ્લાસ્ટિક ઉડી નહિ જાય? કોઈ ચોર ચોરી નહિ કરે? એ હાલ કહેવું મુશ્કેલ છે! જો કે, આ પ્રથમ વરસાદે માત્ર DFCCIL અને તેના ઠેકેદારોની જ પોલ નથી ખોલી, આવી જ બીજી પોલ સંજાણમાં હાલમાં જ બનાવેલ સર્વિસ રોડની પણ ખોલી નાખી છે. સપ્તાહ પહેલા બનાવેલ સંજાણ ધીમસા તરફનો સર્વિસ રોડ ઉદવા તરફનો રોડ પણ પહેલા વરસાદમાં જ ધોવાઈ ગયો છે.
માજી સરપંચે તંત્રનું ધ્યાન દોર્યું હતું : રસ્તાના ધોવાણ સાથે મસમોટા ખાડાઓના કારણે છેલ્લા 10 કલાકમાં અહીં એક ટેમ્પો પલટી મારી ગયો છે. 2 બાઇક સવાર સ્લીપ થયા છે. સર્વિસ રોડ બનાવનાર ઠેકેદારની આ તકલાદી કામગીરીનું પરિણામ સ્થાનિક લોકો ભોગવી રહ્યા છે. સંજાણ-ધીમસા-ઉદવા તરફનો આ માર્ગ તકલાદી હોવાનું અને ચોમાસામાં લોકો માટે પારાવાર મુશ્કેલી ઉભી કરશે તેવો અંદેશો સ્થાનિક સંજાણ ગ્રામ પંચાયતના માજી સરપંચ કાંતિભાઈએ વ્યક્ત કરી તંત્રનું ધ્યાન દોર્યું હતું. પરંતુ તે વાત તંત્રએ કાને નહિ ધરતા હવે લોકોએ હાડમારી વેઠવાનો વખત આવ્યો છે.
મુખ્ય સર્વિસ માર્ગ ધોવાઈ જતા હાલાકી : આ માર્ગ સંજાણના લોકો માટે તેમજ ઉમરગામ GIDCમાં જતા કામદારો માટે, શાળાએ જતા વિદ્યાર્થીઓ માટે જીવાદોરી સમાન માર્ગ છે. પ્રથમ વરસાદે જ ધોવાઇ ગયેલા માર્ગને કારણે DGVCLના કર્મચારીઓ પણ અટવાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં GEBની લાઇન પર સર્જાતાં વીજ વિક્ષેપને દૂર કરવા નીકળતા DGVCLના કર્મચારીઓ માટે આ મહત્વનો ઉપયોગી માર્ગ છે. જે ધોવાઈ જતા હવે લોકોએ વીજ વિક્ષેપનો પણ સામનો કરવો પડી શકે છે.