વલસાડ: જિલ્લામાં નેશનલ હાઇવે નંબર 48 પર કુડી ગામ નજીક શિવ ગેલેક્સી હોટલમાં શનીવારે મોડી રાત્રે ડુંગરી પોલીસે રેડ કરી હતી. ડુંગરી પોલીસને હોટલના પ્રથમ માળે જુગારધામ ચાલતું હોવાની બાતમી મળી હતી, જેને અનુલક્ષી પોલીસે રેડ કરતા હોટલમાંથી કુલ 15 જૂગારીઓને ઝડપી પાડયા છે. પોલીસે તેમની પાસેથી રૂપિયા 2,32,540 જેટલી રકમ તેમજ 2 કાર અને 14 મોબાઇલ કબજે કર્યા છે. પ્રાથમિક તપાસમાં હોટલનો માલિક પોતે જ જુગાર રમાડાતો હોવાનું બહાર આવ્યું છે.
હોટેલ શિવ ગેલેક્સીના પ્રથમ માળે ડુંગરી પોલીસે મોડી રાત્રે રેડ કરી હતી, જેમાં 15 લોકો જુગાર રમતા રંગેહાથે ઝડપાયા હતા. ઝડપાયેલાઓમાં પાંચ ઈસમો સુરતના હતા, જ્યારે અન્ય વાપી અને વલસાડ વિસ્તારના હોવાનું બહાર આવ્યું છે. સાથે આ જુગારમાં કુડી ગામના માજી સરપંચ પણ જુગાર રમતા પોલીસના હાથે ઝડપાઇ જતા સમગ્ર બાબત ડુંગરી પંથકમાં ચર્ચાનો વિષય બની હતી. ડુંગળી પોલીસના જણાવ્યાં અનુસાર પોલીસે શિવ ગેલેક્સી હોટલના પ્રથમ માળે રેડ કરી હતી. પોલીસને જુગારમાં રૂપિયા 2,32,540 રોકડા, 2 કાર તેમજ 14 મોબાઇલ મળી કુલ રૂપિયા 10 લાખ 13 હજારનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે.
પોલીસે દિપક ગુપ્તા, રાજેશ ઉર્ફે નુરુદ્દીન સુરાણી, મયુર ટંડેલ, જયંતી મોડીયા, જગદીશ બાબુ પટેલ, રાજેન્દ્રસિંહ પરમાર, ધીરેન દેસાઈ, મનોજ ઠાકોર સોની, અમિત સંઘાણી, અંકિત છતરલાલ, પૂનમ પંચાલ, સુનિલ લોહાર, ગૌતમ ઉર્ફે લાલા રઘુવંશી, ભદ્રેશ બાબુ તેમજ કુડી ગામના પૂર્વ સરપંચ જયેશ પટેલને સ્થળ પરથી જુગાર રમતા રંગેહાથે ઝડપી પાડયા હતા. પ્રાથમિક તપાસમાં હોટલનો માલિક પોતે જ જુગારધામું ચલાવી રહ્યો હોવાનું બહાર આવ્યું છે.