કપરાડા : વલસાડ જિલ્લામાં મહારાષ્ટ્રની બોર્ડર ઉપર આવેલ સુથારપાડા ખાતે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ પડ્યો હતો. જેના લીધે લગ્નમાં વરઘોડો લઈને આવેલા જાનૈયાઓને ભર વરસાદે મઝા બગાડી હતી. જોકે અનેક જાનૈયા ભર વરસાદમાં પણ સંગીતના તાલે ઝૂમતાં જોવા મળ્યા હતાં. જે જોવાનો જામો પડી ગયો હતો.
જાન નીકળી ત્યારે જ વરસાદ પડ્યો : એવા જ એક લગ્નપ્રસંગમાં કમોસમી વરસાદ વિલન બન્યો હતો. બુધવારે સુથારપાડામાં જાન લઈને પરણવા માટે આવેલા વરરાજાની જાન નીકળી એ જ સમયે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. જેને પગલે સંગીતના તાલે જાનમાં ઝૂમી રહેલા લોકોને ભર વરસાદમાં ઝૂમવું પડ્યું હતું. જાનૈયાઓના ઉત્સાહ પર જોકે કમોસમી વરસાદ ઠંડુ પાણી ફેરવી શક્યો ન હતો અને ભરવરસાદમાં ઝૂમતાં રહ્યાં હતાં. તો કેટલાક જાનૈયા પ્લાસ્ટિકની તાડપત્રીની ઓથ લઈને નાચતા જોવા મળ્યા હતાં.
આ પણ વાંચો |
ઓરકેસ્ટ્રાના તાલે ઝૂમતાં રહ્યાં : જાનમાં આવેલા જાનૈયા ભાસ્કરભાઇ શિંગાડેએ જણાવ્યું કે "અમે જાનમાં લગ્નપ્રસંગે ડીજે પર ડાન્સ વરસાદમાં કર્યો છે. વરસાદના કારણે કપડાં બગડ્યાં છે પણ અમારામાં જાનને લઇને ઉત્સાહ પણ છે તો વરસાદ આવ્યો છે પણ અમે નાચવાનું બંધ કર્યું નથી." તેમની સાથે અન્ય જાનૈયા કમોસમી વરસાદમાં ભીંજાતા બંને હાથ ઉંચા કરીને નાચતા જોવા મળ્યા હતા. વરસાદમાં નીકળેલા આ વરઘોડાના દ્રશ્યોને કેટલાક લોકોએ કેમેરામાં કેદ કરી વાયરલ કરતા આ સમગ્ર ઘટનાના વિડીયો પણ વાયરલ થયા છે. સાથે જ બેવડી ઋતુના અનુભવ સમયે વરસતા વરસાદમાં નીકળેલા વરઘોડામાં બાળકો યુવાનો મહિલાઓ વૃદ્ધો વડીલો અનેક લોકો નાચતા જોવા મળ્યા હતાં. આમ ધરમપુર અને કપરાડા વિસ્તારમાં કમોસમી વરસાદે માત્ર ખેડૂતોને જ નહીં લગ્ન કરવા જઈ રહેલા વરરાજા અને જાનૈયાઓને પણ રંગમાં ભંગ પાડ્યો હતો પરંતુ આફત સમયે પણ મોઢે મુસ્કાન રાખીને વરસતા વરસાદમાં લોકો ઓરકેસ્ટ્રાના તાલે ઝૂમતા જોવા મળ્યાં હતાં.
અનેક જગ્યાએ લગ્નપ્રસંગોમાં મુશ્કેલી થઇ : સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેને પગલે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદ પડી રહ્યો છે. કમોસમી વરસાદે અનેક જગ્યાઓ પર દાટ મળ્યો છે ખેડૂતોને તો નુકસાન થયું છે સાથે સાથે હવે લગ્નની સિઝનમાં પણ અનેક જગ્યાઓ પર વરસાદને કારણે મુશ્કેલી સર્જાયેલી જોવા મળી રહી છે. અનેક જગ્યાઓ પર લગ્ન પ્રસંગમાં પડેલા વરસાદને કારણે રંગમાં ભંગ પડ્યા છે અનેક જગ્યાઓ પર મંડપોમાં વરસાદી પાણી પડવાને કારણે મંડપો પણ ભીના થયા છે.
ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ : કપરાડાના મહારાષ્ટ્રની બોર્ડર પરના ગામોમાં ભારે વરસાદ ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્તાર એટલે કે વલસાડ જિલ્લાના ચેરાપુંજી ગણવામાં આવતા વિસ્તારમાં કમોસમી વરસાદે પોતાની દેખા દીધી છે. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યા બાદ ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો અને એક જગ્યા ઉપર એક કલાકથી વધુ પ્રમાણમાં વરસાદ નોંધાયો હતો. ધરમપુર તાલુકાના વાઘવડ, પીંડવડ ઉલસપિંડી ખડકી મધુરી ચૌરા ખપાટિયા તુતરખેડ જેવા અનેક ગામોમાં ગુરુવારે બપોર બાદ વરસાદ પડ્યો હતો. તો કપરાડાના માની સુથારપાડા માલઘર જેવા ક્ષેત્રમાં વરસાદ નોંધાયો છે જેને પગલે ખેડૂતોને પાકમાં નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે.
લગ્નમાં રંગમાં ભંગ : લગ્ન પ્રસંગમાં રંગમાં ભંગ ખેડૂતોને તો કમોસમી વરસાદ હેરાન કરી રહ્યો છે સાથે સાથે લગ્નની ચાલતી મૌસમમાં પણ અનેક લગ્ન પ્રસંગમાં રંગમાં ભંગ પાડ્યો છે. સુથારપાડા વિસ્તારમાં અનેક સ્થળે તારીખ ત્રણ ચાર અને પાંચ દરમિયાન અનેક સ્થળો ઉપર લગ્ન છે. ત્યારે આ લગ્નના સમયમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવી સતત વરસાદ વરસે છે. જેના કારણે લગ્નમાં રંગમાં ભંગ પડી રહ્યા છે.