વલસાડ: વાપીના પ્રાંત અધિકારી સી.પી.પટેલ, મામલતદાર, જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર તેમજ અન્ય અધિકારીઓ સાથે કોરોના સામેની ઝુંબેશ સંદર્ભે રીવ્યુ બેઠક કરવામાં આવી હતી અને કોરોના કેસને કઇ રીતે ઘટાડી શકાય તે માટેના એકશન પ્લાનની ચર્ચા પણ કરવામાં આવી હતી.
પ્રભારી સચિવએ આરોગ્ય વિભાગની 200 ટીમ દ્વારા કરવામાં આવતું સર્વેલન્સ ગુણવત્તાસભર થાય તેની તકેદારી રાખવા તેમજ ધન્વન્તરી આરોગ્ય રથની કામગીરીના રીપોર્ટ તપાસી ચર્ચા કરી હતી. છરવાડા ગામમાં ચાર પોઝીટીવ કેસ આવતા, કન્ટેઇનમેન્ટ એરીયાની મુલાકાત લઇ ત્યાંની સર્વેલન્સ ટીમની કામગીરી અંગે જાણકારી પણ મેળવી હતી.
જિલ્લા કલેક્ટર આર.આર.રાવલે દર્દી સાથે ટેલીફોનિક ચર્ચા કરી હતી. આ તબક્કે દર્દીએ આરોગ્ય વિભાગ દ્વારા અપાતી સારવાર અને સવલતો બાબતે સંતોષ વ્યક્ત કર્યો હતો. વાપીની જનસેવા હોસ્પિટલની મુલાકાત કરી ત્યાંના મેનેજમેન્ટ સાથે બેઠક યોજી ભવિષ્યમાં કોરોના અંગેના વોર્ડ વધારવા પડે તે માટે સજ્જ રહેવા તેમજ હોસ્પિટલની સવલતો બાબતે ચર્ચા કરી હતી. હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ સાથે ટેલીફોનિક વાત કરી દર્દીઓની માહિતી મેળવી હતી. આ તબક્કે દર્દીઓએ તેમને મળી રહેલી સવલતો બાબતે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.
નગરપાલિકા વિસ્તારમાં પાનના ગલ્લાઓ, દુકાનો વગેરે સ્થળોએ ચુસ્ત રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટે સઘન ચેકિંગ કરી નિયમ ભંગ કરનાર સામે કડક પગલાં લેવા પણ જણાવ્યું હતું.