વલસાડઃ શહેરના કૈલાશ રોડ પર છેલ્લા 8 મહિનાથી ગેરકાયદેસર ગેસના સિલિન્ડરનું વેચાણ ચાલતું હોવાની ફરિયાદ વલસાડ મામલતદારને મળતા શુક્રવારના રોજ વલસાડ શહેરી મામલતદાર તથા રૂલર મામલતદારે સંયુક્ત રીતે રેડ કરી 122 જેટલા મોટા ખાલી સિલિન્ડર અને 24 નાના 5 કિલોના સિલિન્ડર અને ઘરેલુ વપરાશના 8 સિલિન્ડર પૈકી 5 ભરેલા અને 3 ખાલી સિલિન્ડરનો જથ્થો સાથે એક છોટા હાથી ટેમ્પો સિઝ કર્યો છે. કુલ 2.46 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી વલસાડ મામલતદાર દ્વારા હાથ ધરવામાં આવી હતી.
અચાનક મામલતદાર દ્વારા કરવામાં આવેલી રેડને પગલે સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે, વલસાડ શહેરમાં હજુ પણ કેટલાક એવા સ્થળો છે, જ્યાં ચોરી છીપે ગેસ સિલિન્ડરના કાળા બજારની કામગીરી કરાઈ રહી છે. મામલતદાર મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે તેમને મળેલી પૂર્વ બાતમીને આધારે શુક્રવારના રોજ કૈલાશ રોડ પર રેડ કરવામાં આવી છે અને સ્થળ ઉપરથી 2 લાખ 46 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.