વાપી : દમણના સેલવાસની હોટેલમાં નોકરી કરતા અને વાપીના છરવાડાની રમઝાન વાડીમાં રહેતા નેપાળી યુવકની પત્નીની કોઈએ હત્યા કરી નાખી હતી. આ મહિલાના મોતથી 2 પુત્રીઓએ માતાનું છત્ર ગુમાવ્યું છે. ઘટના અંગે હત્યારાને વહેલી તકે ઝડપી પાડી આકરી સજા કરવામાં આવે તેવી માંગ નેપાળી સમાજે કરી છે.
હત્યાની શંકા : વાપી તાલુકાના છરવાડા ગામની રમઝાન વાડીમાં આવેલ ગુરુકૃપા કોમ્પ્લેક્ષમાં નેપાળી મહિલાનો હત્યા કરેલો મૃતદેહ મળી આવતા પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. ઘટના અંગે તપાસમાં આવેલા ડીવાયએસપી એ. કે. વર્માએ ઘટનાને લઇને વધુ વિગતો આપી હતી.
રમઝાન વાડીમાં ગુરુકૃપા કોમ્પ્લેક્સમાં પતિ અને 2 સંતાનો સાથે રહેતી લક્ષ્મી અર્જુન સિંગ નામની મહિલાની હત્યા થઈ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વાપી મામલતદારની હાજરીમાં પંચનામું કરી આગળની તપાસ હાથ ધરી છે. મહિલાનું કોઈ ગળું દબાવી હત્યા કરી નાસી ગયેલ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે...એ. કે. વર્મા(ડીવાયએસપી)
નાનકડી બાળકીઓએ માતા ગુમાવી : ઘટના અંગે વધુ મળતી વિગતો મુજબ મૂળ નેપાળનો અર્જુનસિંગ પારકી તેમની પત્ની લક્ષ્મી પારકી અને 2 દીકરીઓ સાથે ચારેક મહિના પહેલા નેપાલથી વાપીમાં રોજગારી મેળવવા આવ્યો હતો. જે રમઝાન વાડીમાં ભાડે રૂમ લઈ રહેતો હતો અને સેલવાસની બગીચા હોટેલમાં નોકરી કરતો હતો. જ્યાંથી તે સપ્તાહમાં એકવાર તેમના ઘરે આવતો હતો. જે દરમ્યાન તેમની પત્ની 2 દીકરીઓ સાથે ઘરમાં એકલી રહેતી હતી. જેની હત્યા થતા તે ભાંગી પડ્યો હતો. હત્યારાએ તેમની દીકરીઓની માતા છીનવી લીધી છે. જેને પોલીસ જલ્દી પકડી સજા કરે તેવી માંગ કરી હતી.
નેપાળી સમાજે ન્યાયની માંગ કરી : નેપાળી પરિણીતાની હત્યા થતા આસપાસમાં રહેતા નેપાળી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ હત્યા મામલે આક્રોશ વ્યક્ત કરી હત્યારાને ઝડપી તેઓને ન્યાય અપાવે તેવી માંગ પોલીસ વતી ભારત સરકારને કરી હતી.
મોઢા પર નખથી ઇજાના નિશાન : ઉલ્લેખનીય છે કે મહિલાની હત્યા રાત્રે 2 થી 3 વાગ્યા આસપાસ થઈ હતી. જેની જાણકારી નજીકમાં રહેતી મૃતક મહિલાના પતિની ભાભીએ કરી હતી. મહિલાના મોઢાના ભાગે નખથી ઇજા કરી હોય તેવા નિશાન છે. તેમજ કપડાં પણ લોહીથી ખરડાયેલા છે. જે જોતા તેની સાથે કોઈએ જોર જબરદસ્તી કરી તે બાદ તેની હત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.