વાપી : પિતા દીકરી વચ્ચેના સંબંધને લાંછન લગાવતો કિસ્સો વાપી ટાઉનમાં સામે આવ્યો છે. વાપી ટાઉન પોલીસમાં એક પુત્રીએ પોતાની માતા સાથે આવી પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર તેનો પિતા તેના પર છેલ્લા 6 વર્ષથી દુષ્કર્મ આચરી રહ્યો છે. આ ફરિયાદ આધારે વાપી ટાઉન પોલીસે પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પવિત્ર સંબંધને લાંછન લગાવતો કિસ્સો : વાપીમાં એક સાધન સંપન્ન અને એજ્યુકેટેડ ફેમિલી ધરાવતા પિતા જ પોતાની સગી દીકરી પર 6 વર્ષથી દુષ્કર્મ આચરતો આવ્યો હોવાની ફરિયાદ વાપી ટાઉનમાં નોંધાઇ છે. પિતા દીકરી વચ્ચેના સંબંધને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યા બાદ વાપી ટાઉન પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે. ભોગ બનનાર પુત્રીએ પોતાની માતા સાથે આવી પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાએ વિગતો આપી હતી.
વાપી ટાઉનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. જેમાં આરોપી પીડિતાનો પિતા છે. પીડિતા જ્યારે બાર વર્ષની હતી ત્યારથી તેમનો પિતા તેની સાથે શારીરિક દુષ્કર્મ આચરતો હતો અને તેનું શોષણ કરતો હતો..ડૉ. કરણરાજ વાઘેલા (વલસાડ જિલ્લા પોલીસ વડા )
પોકસો અને રેપ કેસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી : સમગ્ર ઘટના અંગે પીડિતાએ પોતાની માતાને હકીકત કહેતા પીડિતાની માતા અને ભાઈએ પોલીસ સ્ટેશનમાં આવી પિતા વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી છે. વાપી ટાઉન પોલીસે પણ ગંભીરતાને ધ્યાનમાં રાખી આરોપી વિરુદ્ધ પોકસો અને રેપ કેસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દુષ્કર્મના આ કેસમાં ટાઉન પોલીસે આરોપીની ધરપકડ કરી છે વાપી ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સમગ્ર મામલે તપાસ કરી રહ્યા છે.
હવસખોર પિતા પર ફિટકાર : ઉલ્લેખનીય છે કે પિતાની હવસનો શિકાર બનતી આવેલી પીડિત દીકરી હાલ કોલેજમાં અભ્યાસ કરે છે. તેનો પિતા એક ફેક્ટરીનો માલિક છે. દીકરી 13 વર્ષની હતી ત્યારથી તેનો પિતા તેમની સાથે દુષ્કર્મ આચરતો આવ્યો છે. આખરે હિંમત એકઠી કરીને દીકરીએ માતાને વાત કરતા માતા સમગ્ર હકીકતથી ધ્રુજી ઉઠી હતી. દીકરી સાથે તેમની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતા હવસખોર પિતા સામે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાને લઈ સમગ્ર પંથકના લોકો હવસખોર પિતા પર ફિટકાર વરસાવી રહ્યા છે.