પારડી તાલુકાના અરનાલા ગામે પારસી ફળિયામાં તૈમુર ભાઈના ઘરે જુગાર રમતા હોવાની બાતમી પારડી પોલીસને મળતા સ્ટાફ સાથે રેડ કરતા જુગાર રમી રહેલા 13 જેટલાં શખ્સને રંગેહાથે ઝડપી પાડ્યા હતાં. હાલ શ્રાવણિયા જુગારની મોસમ ચાલી રહી છે. ત્યારે, 13 જેટલા પકડાયેલા શખ્સ વાપીના ઉદ્યોગપતિઓ, પારડીના બેંકના ડાયરેક્ટર, જમીન લે વેચ કરનારા દલાલો સહિત અનેક મોટા માથાઓ જુગાર રમતા ઝડપાયા હતા.
પોલીસે આ તમામને ઝડપી લઇને પારડી પોલીસ સ્ટેશને કાર્યવાહી હાથ ધરતા આ તમામને છોડાવવા માટે અનેક રાજકારણીઓ અને અગ્રણીઓ પોલીસ મથકે દોડી આવ્યા હતા અને તેમને છોડાવવા માટે ભારે ધમપછાડા કર્યા હતાં. પરંતુ, પોલીસે કોઈની પણ શેહશરમ રાખ્યા વિના તમામની સામે કાર્યવાહી હાથ ધરી હતી. તો કેટલાક લોકો મીડિયાથી બચવા માટે પોતાનો ચહેરો પણ છુપાવતા નજરે ચડયા હતાં. રેડ દરમિયાન 65 હજાર રોકડા, એક ક્રેટા કાર એક ઇકો કાર બે બાળકો અને મોબાઇલ મળી અંદાજે 14 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
નોંધનીય છે કે પારડી પોલીસે છેલ્લા બે દિવસ દરમિયાન જુગાર પકડવામાં સપાટો બોલાવ્યો છે. સોમવારના રોજ ઉદવાડા ખાતે મંદિરના ઓટલા પર ચાલતા જુગારધામ પર રેડ કરી હતી. ત્યારે, મંગળવારે કરનારા ખાતે જુગારના અડ્ડા પર રેડ પાડી હતી.