વલસાડ: શહેરના નાનકવાડા વિસ્તારમાં આવેલા નિધિ એપાર્ટમેન્ટમાં દાદર પર બનાવવામાં આવેલ સ્લેબનો એક ભાગ ધડાકાભેર તૂટી પડ્યો હતો. જેમાં નીચે બેઠેલા એક મહિલા, એક યુવતી અને એક યુવક એમ ત્રણ લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
દાદરાનો સ્લેબ તૂટી પડ્યો: નિધિ એપાર્ટમેન્ટમાં મોટાભાગે ભાડુઆતો રહે છે. ગઇકાલે સાંજે ઉષાદેવી દિનેશ મહતો , રોહિત દિનેશ મહતો, રોશની જ્ઞાનચંદ્ર નિસાડ નીચે બેસીને વાતચીત કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક ઉપરથી જર્જરીત દાદરનો સ્લેબ ધડાકાભેર નીચે પડ્યો હતો. આ ત્રણેને માથા અને હાથ-પગના ભાગે ઇજા પહોંચી હતી. અચાનક બનેલી ઘટનાને પગલે ભાગદોડ મચી હતી. નિધિ એપાર્ટમેન્ટમાં સ્લેબ તૂટી પડવાની ઘટનામાં ત્રણને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.
રહીશો ફસાયા: ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. બિલ્ડીંગના અનેક ફ્લેટોમાં ભાડુઆતો રહે છે. આ ઘટનામાં મુખ્ય દાદર ઉપર ચઢીને જવા માટેનો સ્લેબ જ ધરાસાઈ થઈ ગયો હતો. આથી કોઈ ઉપર જઈ શકે અથવા નીચે ઉતરી શકે તેમ નહોતું. નગરપાલિકા ફાયર વિભાગની ટીમને આ અંગે જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચીને સીડીની મદદથી રહિશોને હેમખેમ બહાર લાવ્યા હતા.
એપાર્ટમેન્ટની જર્જરિત હાલત : નાનકવાડામાં સ્થિત નિધિ એપાર્ટમેન્ટ છેલ્લા કેટલાક સમયથી જર્જરિત હાલતમાં છે. જેના કારણે પોપડા પડવાની અને કેટલીક જગ્યા પર સ્લેબ પડવાની ઘટનાઓ ભૂતકાળમાં બની ચૂકી છે. પરંતુ બિલ્ડીંગમાં રહેનારા લોકોએ આ અંગે કોઈ દરકાર લીધી નહોતી. હાલમાં આ ઘટના બનતા બિલ્ડિંગમાં રહેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.