વલસાડ : કપરાડા તાલુકાના મહારાષ્ટ્ર પાસેના બોર્ડરના આસલોણા ગામમાં એક કરુણ બનાવ બન્યો છે. ગામના ચેકડેમ કમ કોઝવે ઉપર નદીનું પાણી આવી જતા કોઝવે ક્રોસ કરી રહેલા બે કિશોર સહિત એક વ્યક્તિ નદીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. જોકે તેમાં 11 વર્ષીય કિશોર નદીના પ્રવાહમાં તરીને બહાર નીકળી ગયો હતો. જયારે એક કિશોરની આજે લાશ મળી આવી હતી. જ્યારે અન્ય એક વ્યક્તિની શોધખોળ હજી ફાયર વિભાગની ટીમ અને સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે.
નદીના પ્રવાહમાં ત્રણ તણાયા : નદીના પ્રવાહમાં તણાઈ ગયેલા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં 24 કલાકની જહેમત બાદ 11 વર્ષીય કિશોર અમુલ ચીખલેની લાશ મળતા પરિજનોમાં આક્રંદ જોવા મળ્યો હતો. કિશોરની લાશ મળતા પોલીસે લાશનો કબજો લઈ પીએમ કરવા માટેની આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે અન્ય એક વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે.
બે લોકોના મૃત્યુ : કપરાડા તાલુકામાં 40 થી વધુ ચેક ડેમ કમ કોઝવે છે. જે લો લેવલના હોવાથી વરસાદ આવતાની સાથે જ તેના ઉપર નદી નાળાના પાણી ફરી વળે છે. એના કારણે અનેક રોડ રસ્તાઓ પણ બંધ થઈ જાય છે. કોઝવે ઉપરથી વહેતા પાણીમાં જીવના જોખમે જ્યારે વ્યક્તિ કોઝવે ક્રોસ કરવા ઉતરે ત્યારે આવી કરુણાંતિકા સર્જાય છે. અગાઉ પણ કપરાડામાં અનેક લોકોના તણાઈ જવાના કિસ્સા બની ચુક્યા છે.
એક કિશોરનો આબાદ બચાવ : કપરાડા પોલીસ મથકના PSI જી. એસ. પટેલના જણાવ્યા અનુસાર વાંગણ ફળિયાના રહીશ મહારાષ્ટ્ર કામ અર્થે જવા નીકળ્યા હતા. જેમાં પિતા-પુત્ર અને અન્ય એક કિશોર ગામનો રહીશ હતો. આ બનાવમાં 11 વર્ષીય પુત્ર તરીને બહાર નીકળી આવતા આબાદ બચી ગયો છે. જ્યારે ગામના એક કિશોરની લાશ મળી છે. જ્યારે 55 વર્ષીય પિતાની શોધખોળ ચાલી રહી છે.