વલસાડ: કોરોનાને કારણે લોકડાઉનમાં ફસાઈ રોજગારી ગુમાવી બેસેલો શ્રમિક વર્ગ કે જેમની પાસે ઘરે જવા માટેના પણ નાણા નથી તેવા અનેક લોકો માટે સરકાર દ્વારા તેમના વતન જવા માટે વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ માટે શ્રમિકોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી ટિકિટ ભાડું અને મેડિકલ સર્ટીફીકેટ પણ મેળવવાનું હતું. શનિવારે વલસાડ જિલ્લામાંથી બે ટ્રેનો રવાના થઈ હતી. જેમાં એક વલસાડથી ગોરખપુરની હતી જેમાં 1230 જેટલા શ્રમિકો વલસાડથી રવાના થયા હતા તો રાત્રે 10 વાગ્યે વાપી રેલવે સ્ટેશનથી જૌનપુર માટે એક ટ્રેન રવાના થઈ હતી. જેમાં પણ 1195 જેટલા શ્રમિકો રવાના થયા હતા. ડબ્બામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તેવી ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. વાપીથી જૌનપુર માટે ઉપડેલી ટ્રેન સિદ્ધાર્થ નગર, આઝમ ગઢ, કુમાઉ, બસ્તિ, જોનપુર,ગાઝી પુર,ગોરખપુર,અલ્હાબાદ,જેવા સ્ટેશનો ઉપર રોકાશે. ટ્રેનમાં વતન જવા માટે ખાનગી તેમજ એસટી બસો દ્વારા 1195 થી વધુ મુસાફરોને 40 થી વધુ બસોના માધ્યમથી વાપી સ્ટેશન ઉપર લાવવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે, વલસાડથી બપોરે ઉપડેલી ટ્રેનના સમયે રાજકીય પક્ષ અને પોલીસ તંત્ર વચ્ચે ચકમક ઝરી હતી જેને લઈ રાત્રે વાપી સ્ટેશનથી જ્યારે ટ્રેન ઉપડી ત્યારે એક પણ રાજકીય આગેવાન કે કોઈ મીડિયાકર્મીને સ્ટેશનમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.