વાપી નજીક ચણોદ કોલોની વિસ્તારમાં કાલિકા માતાજીના મંદિર નજીક રહેતા રેખાબેન બ્રહ્મદેવ મહેતા અને તેની બહેનપણી દુર્ગા શેતર ખડસે ઘરમાં એકલા હતાં ત્યારે એક લાલ કલરની મોટરસાયકલ પર બે યુવાનો આવ્યાં હતાં. જેમાના એક યુવકે રેખાબેનના ઘરમાં પ્રવેશ કરી ફાયરિંગ કર્યું હતું. જેમાં બંને મહિલાઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે જ મોતને ભેટી હતી. આ ચકચારી હત્યા બાદ બને હત્યારા નાસી છૂટ્યા હતાં.
હત્યાની જાણ થતાં જ વાપી GIDC, ડુંગરા પોલીસ, SOG, LCB ની ટીમ ઘટના સ્થળે ધસી ગઈ હતી. હત્યાની ઘટના બાદ વલસાડ જિલ્લા પોલીસની સૂચનાથી મુખ્ય માર્ગો પર નાકાબંધી ગોઠવી હતી. સમગ્ર ઘટના અંગે DYSP વી. એન. પટેલે વિગતો આપતા જણાવ્યું હતું. કે રાત્રે 8:45 વાગ્યે બે અજાણ્યા ઈસમોએ આવી મોઢે બુકાની બાંધી આ બંને મહિલાઓ પર ફાયરિંગ કર્યું હતું. મૃતક રેખાબેન પોતાના ઘરે એકલા રહે છે. તેમના પતિનું અગાઉ મૃત્યુ થઈ ચૂક્યું છે. જ્યારે તેમનો પુત્ર તેનાથી અલગ રહે છે. તો, 26મી ડિસેમ્બરથી તેમની બહેનપણી અને મહારાષ્ટ્રની દુર્ગા બેન તેમના ઘરે રહેવા આવી હતી.
ઘટના સ્થળેથી પોલીસ તપાસમાં 3 ખાલી રાઉન્ડ અને 3 જીવતા કારતુસ મળ્યાં છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. તેમાં બને મહિલાઓના પારિવારિક સંબંધો અંગે પણ તપાસ ચલાવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે વાપીમાં 9મી જાન્યુઆરીએ એક ગોલ્ડ લોન આપતી બેંકમાં હથિયારો સાથે આવેલા લૂંટારાઓએ દિલધડક 13 કરોડના સોનાની લૂંટની ઘટના સમી નથી. ત્યાં જ શનિવારે બે હત્યારાઓ દ્વારા ફાયરિંગ કરી બે મહિલાની હત્યા કરી ફરાર થઈ જતા લોકોમાં ચકચાર મચી છે. જ્યારે, હત્યારાઓનો હત્યા પાછળનો ઈરાદો શું હતો તે જાણવા અને હત્યારાઓને પકડી પાડવા પોલીસે વિવિધ ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ગુજરાતના વલસાડ જિલ્લાના વાપી શહેરમાં બે અજાણ્યા શખ્સોએ ઘરમાં આવી ફાયરીંગ કરતા ઘરમાં રહેલી બે મહીલાઓના મૃત્યુ થયા હતા. રેખાબેનના મકાનમાં યુવકે પ્રવેશ કરી ફાયરીંગ કર્યું હતું જેમા રેખાબને અને તેમની મિત્ર દુર્ગા બેન બન્નેના મોત થયા હતા. મિત્રના ઘરે આવેલી મહારાષ્ટ્રની મહિલા દુર્ગાબેનનું આ ફાયરિંગમાં મોત થયું હતું.