વલસાડ: ચોમાસાની સીઝનમાં વલસાડ જિલ્લામાં વધુ વરસાદ પડે છે. એમાં પણ ધરમપુર અને કપરાડા વિસ્તારને વલસાડ જિલ્લાનું ચેરાપુંજી તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ આ વર્ષે ચોમાસાના ત્રણ માસ વીતવા છતાં પણ વરસાદે તેની મહેર નહોતી કરી અને તેના કારણે ખેડૂતોને ડાંગરના પાકમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.
જો કે, અરબી સમુદ્રમાં સક્રિય થયેલું ડીપ સર્ક્યુલેશનને કારણે દક્ષિણ ગુજરાતમાં હાલ વરસાદ નોંધાયો હતો. જેમાં ગઈકાલે મોડી સાંજથી શરૂ થયેલા વરસાદે વાતાવરણમાં ઠંડક પહોંચાડી હતી તો સાથે સાથે અનેક વિસ્તારને અનેક તાલુકામાં મુશળધાર વરસાદ પડતા નદી-નાળાઓ છલકાઇ ગયા હતા. તેમજ વિવિધ રોડ ઉપર પાણી ફરી વળ્યાં હતાં. જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. જેમાં વરસાદના આંકડા પર નજર કરીએ તો સવારે 10 થી 12 બે કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ પારડીમાં 2 ઇંચ જેટલો ખાબકયો હતો. જેને લઈને પારડીના આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. વહેલી સવારથી પડેલા વરસાદમાં સવારે 10થી 12ના આંકડા પર નજર કરીએ તો.....
- ઉમરગામમાં 16mm
- કપરાડામાં 4 mm
- ધરમપુરમાં 47 mm
- પારડીમાં 60 mm
- વલસાડમાં 22 mm
- વાપીમાં 23 mm
આમ સવારે 10થી 12 દરમિયાન સૌથી વધુ વરસાદ પારડી તાલુકામાં 2 ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડતા રાહદારી અને વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. જો કે, આ વરસાદને લઈને ડાંગરનો ઉભો પાક કરનારા ખેડૂતોમાં આનંદની લાગણી પણ જોવા મળી હતી. મહત્વનું છે કે, આગામી બે દિવસ સુધી હજુ પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.