- પરિવારાજનોએ SP અને રેન્જ આઈ જીને રજુઆત કરી PSI ઉપર લગાવ્યાં હતા ગંભીર આક્ષેપ
- ભિલાડ પોલીસ મથકના ઇન્ચાર્જ PSIની બદલી
- ASI રતિલાલ મંગુભાઇ ગામીતે કરી હતી આત્મહત્યા
વલસાડઃ ભીલાડ પોલીસ મથકમાં ASI તરીકે ફરજ બજાવતા રતિલાલ મંગુભાઈ ગામીતે ગત તારીખ 17 જાન્યુઆરીના રોજ ભીલાડ પોલીસ લાઈન ખાતે આવેલા તેના રૂમમાં ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાએ પોલીસ મથકમાં ભારે સનસનાટી ફેલાવી દીધી હતી. જે બાદ તેમના પરિવારજનો પણ સ્થળ પર પહોંચ્યા હતા અને તેમની અંતિમ વિધિ કરી હતી. પરંતુ આ સમગ્ર મામલે પરિવારજનોએ ભીલાડ પોલીસ મથકના ઇન્ચાર્જ PSI રાજદીપસિંહ વનાર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા અને આ સમગ્ર બાબતે પરિવારજનોએ પ્રથમ વલસાડ SP ઓફિસ અને ત્યારબાદ ગુરૂવારના રોજ સુરત રેન્જ આઇજી સુધી પહોંચી પોતાની વેદના વ્યક્ત કરી હતી. જે બાબતને ગંભીરતાથી લેતા મોડી સાંજે વલસાડ જિલ્લાના ત્રણ PSIની બદલી કરવામાં આવી હતી. જેમાં ભીલાડ પોલીસ મથકના રાજદીપસિંહની બદલી વલસાડ DYSP કચેરી ખાતે રીડર તરીકે કરવામાં આવી હતી. ત્યારે તેમના સ્થાને પેરોલ ફર્લોમાં LCB માંથી બી એચ રાઠોડને ભીલાડ પોલીસ મથકનું ચાર્જ આપવામાં આવ્યું છે.
ગુરૂવારે મોડી સાંજે PSIની બદલી કરાઈ
મૃતક ASI રતિલાલ મંગુભાઈ ગામીતના પરિવારે ભીલાડના ઇન્ચાર્જ PSI સામે ગંભીર આક્ષેપો કર્યા હતા કે તેમના દ્વારા રતિલાલ મંગુભાઈ ગામીતને માનસિક હેરાનગતિ કરવામાં આવી રહી હતી. જેના કારણે જ તેઓએ આત્મહત્યા કરી લીધી હોવાનો આક્ષેપ સાથે લેખિત રજૂઆત કરી હતી. ત્યારે આ બાબતને ગંભીરતાથી લેતા ગુરૂવારે મોડી સાંજે PSIની બદલી કરવામાં આવી છે.