વલસાડ જિલ્લાની પારડી નગરપાલિકા દ્વારા દરેક ક્ષેત્રે સર્વાંગી વિકાસ સાધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ દિશામાં વધુ એક પ્રયાસ કરતા શૈક્ષણિક ક્ષેત્રે એક નવો અભિગમ અપનાવી ધોરણ 12ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે પારડી નગરમાં આવેલા મોરારજી દેસાઈ ઓડિટોરિયમ ખાતે વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મુખ્ય થીમ એન્જોય યોર એક્ઝામ રાખવામાં આવી હતી.
આ સેમિનારના મુખ્ય સ્પીકર દીપેશ શાહે જણાવ્યું કે, બોર્ડની પરીક્ષાના હવે માત્ર 60 દિવસ બાકી હોય ત્યારે વિદ્યાર્થીઓએ તેનાથી ડરવાના સ્થાને એકઝામને એન્જોય કરતા કરતા આપવી જોઈએ. આ માટે તેમણે પૂર્વ તૈયારી સ્વરૂપે કેટલાક નિયમો પાડવા જરૂરી છે. તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓએ વાંચન પધ્ધતિ બદલવી જોઈએ. સાથે સાથે વાલીઓએ પણ ધ્યાન રાખવું જોઈએ કે, ઘરમાં બાળકો વાંચન જાતે જ કરી શકે એ પ્રકારનો માહોલ ઊભો થવો જોઈએ.
પરીક્ષા પૂર્વે દરેક કુટુંબમાં એવા પ્રસંગો બનતા હોય છે કે, જ્યાં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને વાલીઓ દ્વારા ખેંચી જવામાં આવતા હોય છે. પરંતુ બોર્ડની પરીક્ષા એ બાળકોના પાયાનું ભવિષ્યનું ઘડતર હોય છે. જેથી કરીને આવા સમયે તેમના સમયનો બગાડ કરવો ન જોઈએ.
આ સેમિનારમાં પારડીની આસપાસમાં આવેલી મોટાભાગની શાળાના 700 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને પેપર લખવા અંગેની સ્ટાઈલ, પ્રશ્નોના જવાબો કઈ રીતે લખવા, તેમજ કયા પ્રશ્નોને પરીક્ષામાં વધુ અગ્રીમતા આપવી જેવા મહત્વના મુદ્દાઓને આવરી લઈ સીધી અને સાચી સમજણ આ સેમિનારમાં આપવામાં આવી હતી. સેમિનાર બાદ વિદ્યાર્થીઓએ પણ મહત્વની જાણકારી મળી હોવાનું જણાવ્યું હતું.
આ સમગ્ર સેમિનાર દરમિયાન પારડી નગરપાલિકાના પ્રમુખ ફાલ્ગુનીબેન સહિત અનેક સ્કૂલના શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.