વલસાડઃ વૈશ્વિક મહામારી કોરોનાને કારણે ભારતમાં લોકડાઉન ચાલી રહ્યું છે. અત્યાર સુધી કોરોનાથી બાકાત રહેલા વલસાડ જિલ્લામાં પણ હવે કોરોનાએ દસ્તક દીધી છે. વલસાડ જિલ્લામાં પ્રથમ કેસ ઉમરગામના દેહેરી ગામે રહેતા એક યુવકને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જ્યારે વલસાડના ડુંગરી ગામે હોમગાર્ડમાં ફરજ બજાવતા યુવકને કોરોના પોઝિટિવ આવ્યો છે. તો ધરમપુરના આસુરાના 21 વર્ષીય યુવકજે બ્રેઇન ટ્યુમરથી પીડિત હતો તેને કોરોના પોઝિટિવ આવતા સુરત સિવિલમાં તેનું મોત થયું છે.
આ યુવક બે મહિના પૂર્વે મુંબઈ થી ઉમરગામ ખાતે દેહરી પોતાના ગામે આવ્યો હતો જ્યારે આજે વહેલી સવારે વલસાડ નજીક આવેલા ડુંગરીમાં ડુંગર ફળિયામાં રહેતા 20 વર્ષીય યુવાન યશ પટેલ જેઓ હોમગાર્ડમાં ફરજ બજાવે છે તેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા તેમના સંપર્કમાં આવેલા 18 જેટલા લોકોને કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
જ્યારે આ યુવકને વલસાડ સિવિલમાં આઇસોલેશન વોર્ડમાં મોકલવામાં આવ્યો છે. મહત્વનું છે કે, યશ પટેલના ભાઈ સુરત વીજ કંપનીમાં નોકરી કરે છે અને તેઓ પોતે સુરતથી રોજ અપ-ડાઉન કરે છે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. પરંતુ જીઆરડીમાં ફરજ બજાવતા યશ પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ માટે પણ સમગ્ર કેસ મૂંઝવણભર્યો બન્યો છે. જ્યારે બીજી તરફ થોડા દિવસ અગાઉ ધરમપુરના આસુરાથી એક 21 વર્ષીય યુવક સૂફીયાન શબ્બીર કાદરીને બ્રેઇન ટ્યુમરથી પીડીત હતો, અને બે માસથી સુરતમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો. જેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સુરત સિવિલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આજે તેનું મોત થતાં વલસાડ પંથકમાં કુલ ત્રણ જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે.
વલસાડ જિલ્લામાં અચાનક ત્રણ જેટલા કેસો સામે આવતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે જ્યારે પંથકમાં ત્રણ કેસ સામે આવતા લોકોમાં ભયનો માહોલ સાથે ફફડાટ ફેલાયો છે.