વાપીઃ શહેરની જીઆઇડીસી તથા વાપી ટાઉનમાં થોડા દિવસ પહેલા ઘરફોડ ચોરી થઈ હતી. તેમજ એક રિક્ષાની પણ ચોરી થઈ હતી જે અંગે પોલીસમથકમાં ફરિયાદ નોંધાઇ હતી. જેનો ભેદ વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઉકેલી નાખ્યો છે અને ચોરી કરનાર ત્રણ ચોરની મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.
આ અંગે પોલીસ વિભાગ દ્વારા અપાયેલી વિગતો મુજબ વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઈમ બ્રાન્ચ વલસાડના પોલીસ ઇન્સ્પેક્ટર ડી. ટી. ગામીતએ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિતની ટીમ બનાવી મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા તથા બનતા અટકાવવા અંગે વાપી વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જે દરમિયાન બાતમીના આધારે વાપી ટાઉન કસ્ટમ રોડ ખોજા સોસાયટીની પાછળના ગેટ પાસે ઘરફોડ ચોરીના અને વાહનચોરીના ગુનાના મુદ્દામાલ સાથે 3 ઇસમોને ઝડપી પાડ્યાં હતાં.
પકડાયેલા આરોપીઓમાં વિકાસ અભય રાજ નિષાદ, આમિર અજીઝઉલ્લાખાન, સહેજાદે ઉર્ફે ટમાટર મહંમદ જમીલ હાશ્મી નામના આરોપીની અંગઝડતી કરતા તેમના કબજામાંથી ચોરી કરેલા 1 લાખની કિંમતની ઓટો રીક્ષા, 12 હજારનું કમ્પ્યુટર, 25 હજારનું LED ટીવી, 7000નું પ્રિન્ટર, 1500 રૂપિયાનું મિક્સચર મશીન, 12000 રૂપિયાના 4 મોબાઈલ, 6400 રૂપિયા રોકડા મળી કુલ 1,63,900 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના વણઉકેલાયેલા ગુનાઓ શોધી કાઢ્યા હતા.