વલસાડ : આદિવાસી સમાજ પ્રકૃતિ પૂજક છે. તેમજ પ્રકૃતિની રક્ષણ પણ વર્ષોથી આ સમાજ કરતો આવ્યો છે. તેમની રીતભાત અને તેમના રીત રિવાજ પ્રકૃતિ સાથે જોડાયેલા છે. વર્ષોથી આદિવાસી સમાજના લોકો જીવન નિર્વાહ માટે ખેતી કરતા આવ્યા છે અને મોટા ભાગે લોકો આકાશી ખેતી ઉપર નભે છે. માત્ર વરસાદથી થતી ખેતી માટે ચોમાસા દરમ્યાન ચાતક નજરે આભે મિટ માંડીને બેઠા હોય છે.
વરસાદને રીઝવવા વરસાદી દેવની કરાઇ પૂજા - ક્યારેક વરસાદ મોડો પડે નિયત સમયે ન આવે, ત્યારે એવા સમયે ધરમપુર અને તેની આસપાસના વિસ્તારમાં આવેલા 30થી વધુ ગામોના લોકોમાં આજે પણ દ્રઢ માન્યતા છે. ધરમપુરનાં પીપરોળ ગામે આવેલ વરસાદી દેવની પૂજા કરવાથી સમયસર વરસાદ અને વ્યાપક વરસાદ થાય છે.
માન્યતા મુજબ પૂજા કરતા જ થાય છે વરસાદના અમી છાંટણા - ગામના લોકો એકત્ર થઇ અભીનાથ મહાદેવની શરણે આવી વર્ષો જૂની રીત રિવાજ મુજબ પરંપરાગત પૂજન કરે છે. કહેવાય છે કે પૂજન કરતા જ વરસાદના અમી છાંટણા થતાં હોય છે. આ વખતે પણ ધરમપુરનાં મોટી ઢોલડુંગરી, આવધા, ઉલસપીંડી, હનમત માળ, સહિત મહારાષ્ટ્રનાં અનેક ગામોના લોકોએ થોડા દિવસ પેહલા જ પરંપરાગત રીતે પૂજન કર્યું હતું.