પારડીમાં સામાજિક કાર્ય કરતી સંસ્થા JCI દ્વારા સૌ પ્રથમવાર 3 વર્ષ સુધી ચાલે એ રીતે અનોખા અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આવેલી શાળાઓમાં અભ્યાસ કરતી 12 વર્ષથી લઈને 16 વર્ષ સુધીની વિધાર્થીનીઓને સેનેટરી હાઇજિન શું છે, મહિલાઓ માટે તે કેમ જરૂરી છે, સેનેટરી પેડ શું છે? વિગેરની માહિતી આપવામાં આવી હતી. આમ, જિલ્લામાં સવારથી 30 હજાર જેટલા સેનેટરી પેડ વિદ્યાર્થીનીઓને વહેંચવામાં આવ્યા હતા.
જિલ્લામાં સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી વલસાડમાં 10 હજાર, ધરમપુરમાં 5 હજાર, પારડીમાં 10 હજાર, ઉદવાડા વાઘછીપા 3 હજાર, કપરાડા અને સુથારપાડા જેવા વિસ્તારોમાં 2 હજાર જેટલા સેનેટરી નેપકીન બાળકીઓને વહેંચવામાં આવ્યાં હતા.
JCI સંસ્થા સંસ્થાના આ કાર્યએ કિશોરીઓના હિત જાળવવાની સાથે એશિયા બુક ઓફ રેકોર્ડમાં અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. આ વિશે વાત કરતાં JCI પ્રમુખ સાઈમાં પઠાણે જણાવ્યું કે, "અંતરિયાળ વિસ્તારમાં આજે પણ અનેક વિસ્તાર એવા છે જ્યાં કિશોરીઓ હાઇજિન અંગેની ચર્ચા કરવામાં પણ સંકોચ અનુભવે છે. હજી કેટલાક ગામો તો એવા છે જ્યાં હજુ સુધી કિશોરીઓને સેનેટરી નેપકીન શું હોય એનો ઉપયોગ કેવી રીતે કરવો, તે અંગે પણ જાણતી નથી. જેથી આ પ્રોજેકટ દ્વારા મુગ્ધવસ્થામાં પ્રવેશતી કિશોરીઓ માટે માસિક ધર્મ અને તે દરમિયાન ધ્યાનમાં લેવાતી કાળજી અંગે જાણકારી આપવામાં આવી હતી."