વલસાડઃ કપરાડા તાલુકા પંચાયત કચેરીમાં સુથારપાડા, હુડા, ફળી અને કોતરકામ દિક્ષલ આમ પાંચ ગામના તલાટીની જવાબદારી સંભાળતા તલાટી દિપક લાડવા તાજેતરમાં કામના સમયે ઓફિસમાં જ ગેમ રમતા જોવા મળ્યા હતા. જેનો વીડિયો કોઈ અરજદારે વાયરલ કરી દેતા વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે અને આખરે આ સમગ્ર બાબતે તાલુકા વિકાસ અધિકારીએ તલાટીને નોટિસ ફટકારી જવાબ માગ્યો છે.
હાલમાં તાલુકામાં આત્મનિર્ભર યોજના અંતર્ગત ખેત મજૂર અને બાંધકામ શ્રમિકોના આવાસ માટેના સમારકામ અને વિસ્તરણ અંગેની સહાય માટે છેલ્લા એક અઠવાડિયાથી ગ્રામ પંચાયત પર તલાટીની સહી સિક્કા કરાવવા માટે લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે અને અરજદારોના કામ કરવાની જગ્યાએ તલાટી કોમ્પ્યુટર રૂમમાં બેસીને પબજી રમતા જોવા મળતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
જોકે, આ સમગ્ર બાબતે તાલુકા વિકાસ અધિકારી આર.પી.પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું કે, વાયરલ થયેલો વીડિયો ખરેખર શોભનીય નથી અને આ સમગ્ર બાબતે તરત જ તલાટીને નોટિસ આપી છે અને જો કસૂરવાર હશે તો ઉપલા અધિકારી અને યોગ્ય કાર્યવાહી કરવા માટે રિપોર્ટ પણ કરવામાં આવશે.
આ વીડિયોની પુષ્ટી ઇ.ટી.વી ભારત કરતું નથી.