વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસી સમાજ માટે લગ્ન એ ખુબ મહત્વ ધરાવે છે અને તેમાં પણ તેની ખરીદી માટે તેઓ અઠવાડિયે એક વાર ભરાતા હાટ બજારમાંથી ખરીદી કરે છે. જ્યારે લગ્ન પસંગે ખૂબ મહત્વનું કહી શકાય તેવું મંગળસૂત્ર એ સામાન્ય રીતે સોનાનું કે ચાંદીનું પહેરવાનું ચલણ હોય છે પણ મહારાષ્ટ્રની નજીક આવેલ ગુજરાતની બોર્ડરના ગામોમાં મહારાષ્ટ્રીયન પ્રજાના રિવાજોનો રંગ જોવા મળે છે.
આદિવાસી સમાજના લોકો દ્વારા સોનાંમાંથી બનેલા નહીં પણ કાળા સફેદને સોનેરી મણકાના ઉપયોગ કરી હાથની બનાવટના મંગળસૂત્ર પહેરવાનું ચલણ છે. અને તે આજે પણ વર્ષોથી તેમને જાળવી રાખ્યું છે. કપરાડાના સુથારપાડામાં મંગળવારે અહીં હાટ બજાર ભરાઇ છે અને નાસિકથી આવતા પતિ પત્ની બંને આ હાટ બજારમાં પોતાના હાથથી મણકા પરોવીને મંગળસૂત્ર બનાવી આપે છે. જેમાં કેટલાક સોનેરી મણકાને સ્થાને સોનાના દાણાનો પણ સમાવેશ કરાવે છે. મંગળસૂત્ર બનાવતા ઓછામાં ઓછી એક કલાક જેટલો સમય લાગે છે. અહીં વહેલી સવારથી ભરાતા હાટમાં લોકો બપોર સુધી મંગળસૂત્ર બનાવવા માટે બેસી રહે છે. કારણ કે, હાથથી બનાવવામાં આવેલ મંગળસૂત્ર જ લગ્નમાં માન્ય ગણવામાં આવે છે અને એક આદિવાસી સામાન્ય રીતે 5000ના ખર્ચે બનાવેલ મંગળ સૂત્ર પહેરતા હોય છે. જ્યારે, આર્થિક નબળી સ્થિત ધરાવતા પરિવાર માટે રૂપિયા 700થી પણ કારીગાંઠી મળી રહે છે. અહીંની, મહિલાઓ માટે સોનાનું મહત્વ એટલુ નથી જેટલું કારીગાંઠીનું છે.