વલસાડ : પારડીના બાલદા કમઠી ફળિયામાં રાત્રીના સાડા નવ વાગ્યાની આસપાસ અમરતભાઈ ઝીણાભાઈ પટેલના ઘર પાસે એક મહાકાય અજગર દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ત્યારે ગ્રામજનોએ એકઠા થઇ પારડી જીવ દયા ગ્રુપના અલી અન્સારીને જાણ કરતા તેમણે તરત જ જીવ દયા ગ્રુપના યાસીન મુલતાની અને અન્ય સભ્યને મોકલ્યા હતા. જીવ દયા ગ્રુપ દ્વારા અજગરનું રેસ્કયૂ કરવામાં આવ્યું હતું.
આ અંગે યાસીન મુલતાનીએ જણાવ્યુ હતું કે, આ સીઝનમાં દરેક સરીસૃપો વધુ દેખાતા હોય છે. જો કોઈને પણ સરિસૃપો દેખાય તો ગભરાશો નહી અને એને છંછેડશો નહી. અમારી ટીમને જાણ કરશો તો અમે તરત જ આવીને તેનું રેસ્કયૂ કરી વન વિભાગને જાણ કરી જંગલમાં સુરક્ષિત સ્થળે ખસેડીશું
આ અઠવાડિયામાં બાલદા કમઠી ફળિયા ખાતેથી આ બીજો અજગર પકડાયો છે. આ અજગરનું અંદાજે વજન 20 કિલો અને લંબાઈ 10 ફૂટ જેટલી છે. આ અજગરને રેસ્ક્યુ કરવામાં આવતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.