વલસાડઃ જિલ્લામાં કોરોના વાઈરસને લઈને તાલુકા વિકાસ અધિકારીએ વલસાડ જિલ્લાની તમામ ગ્રામપંચાયતોને લેખિતમાં જાણકારી આપી વિવિધ ગ્રામસભાઓ, મેળાઓ તમામને તકેદારીના ભાગરૂપે બંધ રાખવા સૂચન કર્યું છે. જેને અનુલક્ષીને કપરાડા તાલુકાના મોટાપોંઢા ગ્રામ પંચાયત દ્વારા દર શનિવારના રોજ ભરાતો હાટ બજાર રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
જેથી કરીને હાટ બજારમાં એકત્ર થતા લોકો એકત્ર ન થય અને કોરોના જેવી બીમારીનું ઉદગમસ્થાન અહીં ન બને સાથે-સાથે મોટાપોંઢા ગ્રામ પંચાયત દ્વારા પંચાયત વિસ્તારમાં આવેલી અનેક નાના દુકાનદારોને એક નોટિસ આપી કોરોના વાયરસ અંગે જાગૃતતા લાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમજ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતી માસાહારનું વેચાણ કરતી દુકાનોનાને બંધ રાખવા પણ સૂચન કરવામાં આવ્યું છે.
મહત્વનું છે કે, ગ્રામીણ કક્ષાએ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સસ્તામાં મળી રહે એવા હેતુથી અઠવાડીયાનો એક દિવસ હાટ બજાર નક્કી કરેલા ઠેકાણે યોજાતો હોય છે. કપરાડા તાલુકાના મોટાપોંઢા ગામે દર શનિવારના રોજ હાટ બજારનું આયોજન કરવામાં આવે છે પરંતુ તાલુકા વિકાસ અધિકારીના પરિપત્ર બાદ ગ્રામ પંચાયત દ્વારા હાટ બજારને રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ આ સમગ્ર બાબતે વહીવટીતંત્રને કલેક્ટર ના નિર્દેશ અનુસાર જ્યાં સુધી કોઈ અન્ય સૂચના ન મળે ત્યાં સુધી આ હાટ બજાર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.