વલસાડઃ વર્ષો પહેલા સંજાણ બંદરે ઉતરીને આવેલા અને સમગ્ર ભારતમા દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસી સમાજનું રવિવારના રોજ નવું વર્ષ છે, જેને તેઓ પતેતીના તહેવાર તરીકે ઉજવે છે અને આ દિવસે દરેક પારસી પોતાના પવિત્ર અગ્નિના દર્શન માટે અગિયારીમાં જતા હોય છે. ત્યારે જિલ્લામાં તેઓનું ખૂબ જ પવિત્ર યાત્રાધામ એટલે કે ઉદવાડા ગામમાં આવેલી પવિત્ર અગિયારી આવેલી છે. જ્યાં પતેતીના દિવસે અનેક શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે.
સુરત, વડોદરા, અમદાવાદ તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ પારસી સમાજના લોકો અહીં મોટી સંખ્યામાં આવે છે, પરંતુ આ વર્ષે વૈશ્વિક મહામારી કોરોનાને લઈને અગિયારી પર ખૂબ જૂજ પ્રમાણમાં લોકોની સંખ્યા જોવા મળી હતી. પારસી સમાજના લોકો આરોગ્ય પ્રત્યે ખૂબ જ જાગૃત હોય છે, જેના કારણે આ મહામારીમાં તેઓ બહાર નીકળવાનું સ્વયં જ ટાળી રહ્યા છે, તેના કારણે આ વર્ષે બહારના શહેરોથી આવતા લોકો ઉદવાડા ગામ ખાતે જોવા મળ્યા ન હતા.
પારસી સમાજના ધર્મ ગુરુ દસ્તુરજીએ જણાવ્યું કે, વૈશ્વિક મહામારી કોરોના હાલ સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે, ત્યારે તમામ લોકોને તેમણે અપીલ કરી છે કે, આ બીમારીથી બચવા માટે પોતાના આરોગ્યની દરકાર રાખે અને સરકારી ગાઇડલાઇનનું પાલન કરે.
વધુમાં તેમણે જણાવ્યું કે બને ત્યાં સુધી લોકોએ આરોગ્ય પ્રત્યે જાગૃત થવાની જરૂર છે, જેથી કરીને આવી બીમારીને સમગ્ર વિશ્વમાંથી જાકારો આપી શકાય. તેમણે કહ્યું કે આ બીમારી સામે લોકોએ લડવાનું જ રહેશે.
દર વર્ષે જ્યાં પતેતીના દિવસે મોટી સંખ્યામાં લોકો બહારથી ઉદવાડા ગામ ખાતે આવતા હતા, તેના સ્થાને આ વર્ષે કોરોનાનું ગ્રહણ પારસી સમાજના લોકોને પણ નડ્યું છે.