- કરજણના ગંધારા ગામની સીમમાંથી મૃતદેહ મળતા ચકચાર
- પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી તપાસનો દોર શરુ કર્યો
- યુવાન પાણીપુરીનો ધંધો કરતો હોવાનું જાણવા મળ્યું
વલસાડઃ કરજણ તાલુકાના ગંધારા ગામની સીમમાંથી હત્યા કરાયેલી હાલતમાં એક યુવાનનો મૃતદાહ મળી આવ્યો હતો. આ બનાવની જાણ કરજણ પોલીસને થતા ઘટનાસ્થળે દોડી જઇ તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃત્યુ પામેલો યુવાન પાણીપુરીનો ધંધો કરતો હોવાનું બહાર આવ્યું હતું.
યુવાન પાણીપુરીનો ધંધો કરી ગુજરાન ચલાવતો હતો
કરજણ તાલુકાના ગંધારા ગામમાં રહેતો અને મૂળ યુ.પી.નો વતની જ્ઞાનસિંઘ પાણીપુરી વેચીને ગુજરાન ચલાવતો હતો. ગુરુવારે રાબેતા મુજબ તે પોતાની પાણીપુરીની લારી લઈને પાણીપુરી વેચવા માટે ઘરેથી નિકળ્યો હતો. મોડી રાત સુધી પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ આરંભી હતી. પરંતુ યુવક વિશે કોઇ જ જાણકારી મળી ન હતી.
ગામની સીમમાંથી મળી આવ્યો મૃતદેહ
યુવાન ગુમ થયો હોવાના 2 દિવસ બાદ ગંધારા ગામની સીમમાંથી હત્યા કરાયેલી હાલતમાં એક મૃતદેહ મળી આવ્યો હોવાની કરજણ પોલીસને માહિતી મળી હતી. ત્યાર બાદ કરજણ પોલીસ ત્યાં દોડી ગઇ હતી. આ સાથે જ્ઞાનસિંગની શોધ ખોળ ચલાવી રહેલા પરિવારજનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહ જ્ઞાનસિંઘનો હોવાનું અને તેની હત્યા થઇ હોવાનું પોલીસને જણાવ્યું હતું.
હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે તપાસ શરુ કરી
પોલીસે જ્ઞાનસિંઘની મૃતદાહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. તે સાથે પોલીસે જ્ઞાનસિંઘની હત્યા કેવી રીતે થઈ કોણે કરી છે ? શા માટે હત્યા કરી છે. તે અંગે તપાસનો દોર શરૂ કર્યો છે. પોલીસે હાલ અજાણ્યા વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. જ્ઞાનસિંઘની હત્યા જૂની અદાવતમાં કરવામાં આવી છે કે પછી કોઈ અન્ય કારણોસર થઇ છે. તે અંગેની માહિતી મેળવવા પોલીસે ઝીણવટ ભરી તપાસ શરૂ કરી છે.