- ભારત બંધની અસર વલસાડ જિલ્લામાં નહીંવત જોવા મળી
- સામાન્ય દિવસોની જેમ વલસાડ જિલ્લાના છ તાલુકામાં વિવિધ બજારો ખુલ્લા રહ્યા
- દુકાનદારોએ બજારમાં સામાન્ય દિવસોની જેમ દુકાનો ખુલ્લી રાખી
વલસાડઃ કૃષિ કાયદાના વિરોધમાં જ એક તરફ ખેડૂતો હરિયાણા દિલ્હી પંજાબ સુધી હડતાલમાં જોડાયા છે, ત્યારે આજે વધુ ઉગ્ર આંદોલન કરતા 8 ડિસેમ્બરના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું પરંતુ આ ભારત બંધનું એલાનના પગલે તેની કોઈ પણ પ્રકારની સીધી અસર વલસાડ જિલ્લામાં જોવા મળી ન હતી સામાન્ય દિવસોની જેમ વલસાડ શહેરમાં કે વલસાડ જિલ્લાના છ તાલુકામાં તમામ બજારો ખુલ્લા રહ્યા હતા.
બંધની નહિવત અસર
8 ડિસેમ્બર ના રોજ આજે ખેડૂતોએ ભારત બંધ'નું એલાન આપ્યું હતું. કૃતિ કાયદા વિરોધને લઈને વિરોધ પ્રદર્શન કરતા ખેડૂતોએ સરકાર સામે ઉગ્ર વિરોધ આંદોલન છેડવા માટે ભારત બંધનું એલાનની જાહેરાત કરી હતી. જેને પગલે અનેક લોકોએ તેને સમર્થન આપ્યું હતું. તો કેટલીક જગ્યાએ આ બંધની નહિવત અસર જોવા મળી હતી.આ ભારત બંધના એલાનને પગલે વલસાડ શહેરના તમામ બજારો સામાન્ય દિવસોની જેમ ખુલ્લા જોવા મળ્યા હતા અને વલસાડમાં ભારત બંધની અસર ખૂબ જ નહિવત પ્રમાણમાં જોવા મળી હતી.
સુથારપાડા ગામે બજાર સજ્જડ બંધ
મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલું ગુજરાતનું ગામ એવું સુથારપાડામાં ભારત બંધના એલાનને પગલે બજારની દુકાનો સજ્જડ બંધ રહી હતી અને જ્યાં સામાન્ય દિવસોમાં લોકોની ટ્રાફિક રહે છે એવી જગ્યા પર રોડ સુમસામ જોવા મળી રહ્યા હતા.
વલસાડ શહેરના મુખ્ય માર્કેટ પણ ખુલ્લી રહી હતી
વલસાડ શહેરની હાલરરોડ એમ.જી.રોડ ખત્રીવાડ જેવા અનેક બજારો આજે સામાન્ય દિવસોની જેમ ખુલ્લા રહ્યા હતા. ભારત બંધના એલાનની કોઈપણ પ્રકારની અસર આ બજારોમાં જોવા મળી ન હતી. લોકો અનેક જગ્યાઓ પરથી ખરીદી કરવા માટે બજારમાં પહોંચ્યા હતા અને લોકોની ભીડ પણ જોવા મળી હતી. વલસાડ જિલ્લાના વાપી, પારડી, ધરમપુર, ઉમરગામ અને વલસાડ શહેરના તમામ બજારો આજે સામાન્ય દિવસોની જેમ ખુલ્લા રહ્યા હતા અને તમામ દુકાનદારોએ પોતાની દુકાનો વૈશ્વિક રીતે ખોલી હતી.
ભારત બંધના એલાનને પગલે વલસાડ પોલીસ સતર્ક બની
ભારત બંધના એલાનને પગલે ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ પાર્ટીએ સમર્થન જાહેર કર્યું હતું અને જિલ્લામાં કોઈ દેખાવો કે કોઈ વિરોધ પ્રદર્શન ન થાય તે માટે વલસાડ જિલ્લા પોલીસ વહેલી સવારથી સક્રિય બની હતી અને જિલ્લાના વિવિધ કોંગ્રેસી કાર્યકરોને જે તે સ્થળેથી ડિટેઇન કરવામાં આવ્યા હતા. જેમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ યુથ કોંગ્રેસના પ્રમુખ તેમજ જિલ્લા પંચાયતના વિપક્ષના નેતાઓને પણ પોલીસે પોલીસ મથક પર બેસાડી રાખ્યા હતા.
આમ ખેડૂત આંદોલન દ્વારા જાહેર કરવામાં આવેલા ભારત બંધના એલાનને વલસાડ જિલ્લામાં ખુબજ નહીવત અસર જોવા મળી હતી અને તમામ બજારો સામાન્ય દિવસોની જેમ ખુલ્લા જોવા મળ્યા હતા.