- લગ્નની લાલચ આપી વિદ્યાર્થીનીને બનાવી વાસનનો શિકાર
- પીડિતાનાં પરિવારજનોએ શિક્ષકના ધરે જઈ માર્યો માર
- શિક્ષકની તેના લગ્નમંડપમાંથી કરાઈ ધરપકડ
વલસાડ: બીલીમોરા પંથકમાં આવેલી એક શાળામાં સ્ટેટેસ્ટીક અને સંગીત વિષયનો અભ્યાસ કરાવતા અને વલસાડ ગંજખાના, નવકાર એપાર્ટમેન્ટ, છીપવાડમાં રહેતા મયુર રાણાએ વિદ્યાર્થીનીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી તેને છેતરીને કામલીલાઓ કરી હતી. જેમાં 2017માં ધોરણ-11માં ભણતી એક વિદ્યાર્થીનીને શિક્ષક મયુરે પ્રેમમાં પાડી હતી.

અભ્યાસ દરમિયાન આ શિક્ષકે વિદ્યાર્થિનીને 4 અલગ-અલગ જગ્યાએ તેની વાસનાનો શિકાર બનાવી હતી. જેમાં પ્રથમ લગ્નની લાલચ આપી ફોસલાવીને તેણીના ઘરે એકલતાનો લાભ લઇ શરીરસંબંધ બાંધ્યા હતા. જે બાદ શિક્ષકે વિદ્યાર્થિનીને ભોગવી તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી અને તે અન્ય યુવતી સાથે લગ્ન કરી રહ્યો હોવાની વાત આ ભોગ બનનાર યુવતીને જાણ થઈ હતી. તેણીએ મયુર રાણા સામે બીલીમોરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર ઘટના સંદર્ભે વલસાડ પોલીસ દ્વારા મયુરની તેના ઘરે લગ્ન મંડપમાંથી અટક કરવામાં આવી હતી. તેમજ યુવતીના સંબંધીઓ સામે પણ અટકાયતી પગલાં લેવાયા હતા. હાલ બીલીમોરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મયુરે વર્ષ 2017-18 માં લગ્નની લાલચ આપી વિદ્યાર્થીની સાથે સંબંધ બાંધ્યો હતો અને તે વખતે મોબાઈલના અંગત પળોનું રેકોર્ડિંગ પણ કર્યું હતું. તે ફોટો બે-ત્રણ દિવસથી સોશિયલ મીડિયામાં વહેતા થયા હતાં. આ અંગેની જાણ ભોગ બનનાર યુવતીના પરિવારજનોને થતાં તેમણે વલસાડ રહેતા શિક્ષક મયુર રાણાને તેના લગ્નના બે દિવસ અગાઉ તેના ઘરે જઈ માર માર્યો હતો.
