વલસાડ : ધરમપુર અને કપરાડા વિસ્તારના 30થી વધુ ગામના વિદ્યાર્થીઓ બસનો ઉપયોગ કરી સુરત, વડોદરા, અમદાવાદ કે ઉત્તર ગુજરાતમાં અભ્યાસ અર્થે જતા હોય છે, ત્યારે બસ બંધ થવાની હિલચાલ સામે 8 ગામના સરપંચોએ એસ ટી વિભાગીય નિયામકને લેખિતમાં રજૂઆત કરી છે.
ધરમપુર ડેપોથી ઉપડી વાયા નાનાપોઢા કરવડ થઈ વાપી ડેપો અને ત્યારબાદ જોધપુર સુધી જતી એસ ટી સ્લીપર કોચ બસને વાપી ડેપોથી દોડાવવા માટેની શરૂ થયેલી હિલચાલ સામે વાજવડ ગામના મહિલા સરપંચ અને અન્ય 8 ગામોના સરપંચ દ્વારા વલસાડ એસ ટી વિભાગના વિભાગીય નિયામકને લેખિતમાં અરજી કરીને જણાવ્યું છે કે, જો આ એસટી બસ બંધ કરી દેવામાં આવશે, તો ધરમપુરથી અને કપરાડાથી આ બસનો ઉપયોગ કરીને અભ્યાસ અર્થે સુરત, વડોદરા, અમદાવાદ કે ઉત્તર ગુજરાત તરફ જનારા વિદ્યાર્થીઓ અને રોજિંદા મુસાફરોની હાલત કફોડી બનશે. જોકે, તેમની આ લેખિત રજૂઆત બાદ આ તમામ સરપંચોને વિભાગીય નિયામક તરફથી એક લેખિત જવાબ મળ્યો છે.
આ રિપોર્ટમાં જણાવ્યાં મુજબ, ધરમપુરથી વાપી સુધી દોડતી આ બસની આવક પ્રમાણમાં ઓછી છે. જેના કારણે આ બસને વાપીથી દોડાવવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. જો આ બસ ધરમપુરથી બંધ થઈ જાય તો કપરાડા અને ધરમપુર વિસ્તારના 30થી વધુ ગામના વિદ્યાર્થીઓને બસ પકડવા માટે 30થી 35 કિલોમીટર દૂર વાપી ડેપો સુધી લંબાવવુ પડે. ડેપોની આવી નીતિને લઇને વિદ્યાર્થીઓમાં રોશનો માહોલ છે. આ સાથે સાથે આ બસને રાબેતા મુજબ દોડાવવા માટે સરપંચોમાં પણ રોષ જોવા મળ્યો છે.
આગામી દિવસમાં જો રાબેતા મુજબ આ બસ ધરમપુરથી દોડાવવામાં નહીં આવે, તો ગામના સરપંચો અને વિદ્યાર્થીઓ એકઠા થઇ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. તેવી ચીમકી પણ તેઓએ ઉચ્ચારી છે.
ઉલ્લેખનીય છે કે, એસટી બસોની આવક ઓછી હોવાને લઈને ભૂતકાળમાં ઉમરગામ નારગોલમાં ચાલી રહેલો એસટી ડેપો બંધ કરી દેવામાં આવ્યો હતો. અહીં સવાલ એ થાય છે કે, ધરમપુરના પણ આવક ઓછી હોવાનું બહાનું કાઢી રૂટો બંધ કરવામાં આવી રહ્યા હોય, ત્યારે શું ધરમપુર ડેપો પણ બંધ થવાની કગાર પર છે, જેવા અનેક સવાલો લોકોમાં ઊઠી રહ્યા છે.