- શેરડીના ખેતરમાં કાપણી દરમ્યાન મળી આવ્યું હતું હાડપિંંજર
- ખેતર માલિકે પોલીસને જાણકારી આપતા પહોંચી હતી પોલીસ
- એફ.એસ.એલની મદદ લેતા પ્રાથમિક તપાસમાં વિગતો બહાર આવી
- ડુંગરી પોલીસે અકસ્માત મોતનો ગુન્હો દાખલ કર્યો
વલસાડ : સોનવાડા ગામે પહાડ વિસ્તારમાં શેરડીના ખેતરની કાપણી માટે આવેલા મજૂરો કાપણી કરી રહ્યા હતા. ત્યારે શેરડીના ખેતરમાં માનવ હાડપિંજરના છુટા છવાયા અવશેષો મળી આવતા ગભરાટ ફેલાયો હતો. જે અંગે મજૂરોએ ખેતર મલિકને જાણકારી આપી હતી.
ખેતર માલિકે ડુંગરી પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર પહોંચી
સોનવાડા ગામે સુમન મકન પટેલના ખેતરમાં કાપણી દરમ્યાન મળી આવેલા કેટલાંક હાડપિંજરના અવશેષ બાબતે ડુંગરી પોલીસને જાણકારી આપતા પોલીસની ટીમ દોડતી થઈ ગઈ હતી અને સ્થળ ઉપર પહોંચી તપાસ શરૂ કરી હતી.
સ્થળ ઉપરથી પોલીસને જીન્સનું પેન્ટ મળ્યું હતું
ખેતરમાં પહોંચેલી પોલીસને સ્થળ ઉપર 20 થી 25 ફૂટના ઘેરાવામાં છુટા છવાયા માનવ હાડપિંજરના અવશેષો મળ્યા હતા. આ સાથે જીન્સનું પેન્ટ જેવી કેટલીક ચીજો મળી આવી હતી. પોલીસે વધુ તપાસ માટે એફ.એસ.એલની ટીમને બોલાવી તપાસ શરૂ કરી હતી.
એફ.એસ.એલ ની ટીમે તપાસ કરતા અવશેષો પુરુષના હોવાનું અનુમાન
એફ.એસ.એલની ટીમે સ્થળ નિરીક્ષણ કરીને કેટલાક સેમ્પલો લીધા હતા અને તેને તપાસ કરતા પ્રાથમિક તપાસમાં મળેલા અવશેષોએ કોઈ 35 થી 40 વર્ષના યુવકના હોવાનું અનુમાન છે. જ્યારે તેનું મોત 3 થી 4 માસ પહેલા થયું હોવાનું પણ અનુમાન છે.
જંગલી જાનવર ખેતરમાં ખેંચી ગયો હોવાનું મોતનું પ્રાથમિક તારણ
શેરડીના ખેતરમાં મળી આવેલા હાડકા અને અવશેષ ઉપરથી 3 થી 4 માસ અગાઉ ખેતરમાં કોઈ જંગલી જાનવર દ્વારા યુવકને ખેંચી જવાયો હોવાનું હાલ મોત અંગે પ્રાથમિક તારણ લાવવામાં આવ્યું છે. ત્યારે હાલ તો સમગ્ર બાબતે વલસાડના ડુંગરી પોલીસે અકસ્માત મોતનો ગુન્હો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. જોકે, સમગ્ર કિસ્સો હાલ ડુંગરી પોલીસ અને એફ.એસ.એલ માટે પડકાર રૂપ હોવાનું ચર્ચાએ જોર પકડ્યું છે.