વલસાડઃ જિલ્લામાં દિન-પ્રતિદિન વધી રહેલા કોરોનાના દર્દીઓને આવી રહેલી માહિતીને આરોગ્યતંત્ર પોતાની લાજ બચાવવા માટે છુપાવી રહ્યું હોવાનો કોંગ્રેસ સમિતિએ આક્ષેપ કર્યો છે. તેમજ વલસાડ સિવિલમાં બનાવવામાં આવેલા કોલ સેન્ટરમાં સારવાર લેવા આવતા દર્દીઓને સારવારમાં નામે કોઈ સુવિધા આપવામાં ન આવતી હોવાના ગંભીર આક્ષેપો કોંગ્રેસ સમિતિએ કર્યા છે. જેને લઈને આજે તેમણે કલેક્ટર કચેરી ખાતે ધરણાં કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જો કે, પોલીસે સ્થળ પર આવી જતા તેને સમિતિ લઇ જિલ્લા કલેક્ટરે તેમની કેટલીક માંગોને પૂર્ણ કરવા માટેની ખાતરી આપી ત્યારબાદ તે રવાના થયા હતા.
વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 378 કરતાં પણ વધુ દર્દીઓ નોંધાયા છે, જ્યારે આઠ લોકોના કોરોનાની સારવાર દરમિયાન મોત થયા છે. તો દિન-પ્રતિદિન 20થી વધુ કેસ સામે આવી રહ્યા છે, ત્યારે આવા સમયે વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પણ પોતાની લાજ બચાવવા માટે આંકડાનો છુપાવી રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ કોંગ્રેસ સમિતિએ લગાવ્યો હતો.
આ ઉપરાંત જિલ્લામાં રોજના 100 જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેની સામે 1000 ટેસ્ટ કરવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસ સમિતિ દ્વારા આજે વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી આગળ ધરણાંના કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. પરંતુ કોંગ્રેસ સમિતિના સભ્યો કલેક્ટર કચેરીએ પહોંચે તે પહેલા જ પોલીસે આ તમામને સમજાવ્યા હતા અને કોંગ્રેસ સમિતિના સભ્યો માજી સાંસદ કિશન પટેલની આગેવાનીમાં જિલ્લા કલેક્ટર આર રાવલને મળીને સમગ્ર બાબતની ચિતાર રજૂ કર્યો હતો.
વલસાડ સિવિલ હોસ્પિટલનો આંખે દેખ્યો અહેવાલ જિલ્લા કલેક્ટરને સમજાવ્યો હતો અને કહ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં માત્ર નામનું જ બનાવવામાં આવ્યું છે. સામાન્ય શરદી ખાંસી વાળા દર્દીઓને પણ આઇસોલેશન વોર્ડમાં મૂકી દેવામાં આવે છે અને જે બાદ સારવારના નામે કોઈ સુવિધા આપવામાં આવતી નથી.
કિશન પટેલ કહ્યું હતું કે, વ્યક્તિ પોતાના ઘરમાં માંદો પડતો નથી, પરંતુ હોસ્પિટલમાં પહોંચ્યા બાદ જ તે વધુ બિમાર થાય છે. કોઈપણ દર્દીના ટેસ્ટનો રિપોર્ટ આવતા ચાર દિવસ લાગે છે અને આ ચાર દિવસ દરમિયાન તેમની સાથે તેમના પરિજનો પણ ત્યાં રહે છે. તેમ છતાં પણ તેઓને કે દર્દીઓને ભોજન પાણીની વ્યવસ્થા હોસ્પિટલમાં કરવામાં આવતી નથી. આ તમામ બાબતોની તેમણે કલેક્ટરને જાણ કરતાં જિલ્લા કલેક્ટરે વધુમાં વધુ ટેસ્ટ કરાવવા માટેની ખાતરી આપી હતી.
નોંધનીય છે કે, વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જો આરોગ્યને લઇને સામાન્ય નાગરિકો સાથે વહીવટી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના ચેડા કરવામાં આવશે, તો તેઓ દ્વારા ફરીથી ધરણાંનો કાર્યક્રમ તેમજ ઉગ્ર આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે.