વલસાડઃ જિલ્લો ઔદ્યોગિક જિલ્લો ગણાય છે. કોરોના મહામારીમાં જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 485 પર પહોંચ્યો છે. મૃત્યુઆંક 44 પર પહોંચ્યો છે, ત્યારે હવે કોરોના સામેની આ જંગમાં વલસાડ વહીવટીતંત્રએ કેટલાક અસરકરક પગલા અમલી બનાવ્યા છે. આ અંગે વલસાડ કલેકટર આર. આર. રાવલે વિગતો આપી હતી કે, વલસાડ જિલ્લામાં નોંધાયેલા કુલ કેસમાં વાપી વિસ્તારના 50 ટકા કેસ છે.
જિલ્લામાં વહીવટીતંત્ર અને તબીબો ખરા કોરોના વોરિયર્સ બની કોરોના મહામારી સામે દર્દીઓને બચાવવાની લડત લડી રહ્યા છે. વાપીમાં મોટા પ્રમાણમાં કામદારો વસવાટ કરે છે. નાની-મોટી અનેક કોલોનીઓ આવેલી છે. એક તરફ મુંબઈ નજીક છે તો, બીજી તરફ સુરત આ ઉપરાંત સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી પણ પાડોશના પ્રદેશો છે. જેને ધ્યાને રાખીને વાપીમાં કોરોના મહામારીનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે.
હવે આગામી દિવસોને ધ્યાને રાખીને આ સંક્રમણને કાબુમાં લેવા માટે વહીવટીતંત્રએ કેટલાક જરૂરી પગલાં લીધા છે. જેમાં જિલ્લાના દરેક ઘરમાં સર્વે કરવાનું, જિલ્લામાં 30 જેટલા ધન્વંતરી રથ ફેરવવામાં આવી રહ્યા છે. શરદી-ખાસી વાળા દર્દીઓને તપાસી તેમનું સ્ક્રિનિંગ કરાઈ રહ્યું છે. આ ઉપરાંત હવે આગામી દિવસોમાં ડોકટરો ઘરે ઘરે તપાસ કરી નિદાન કરશે, આયુર્વેદિક ઉકાળા દ્વારા રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે ઉકાળા સેવન સહિત સૌથી અસરકારક પગલુ કહી શકાય તેવુ જિલ્લામાં 144ની કલમ પણ લાગુ કરી દેવામાં આવી છે.
આ સાથે ઔદ્યોગિક વિસ્તારમાં કામદારોનું ફરજિયાત સ્ક્રિનીંગ-નોંધણી અને જે જિલ્લા બહારથી આવશે તેને 7 દિવસ ફરજીયાત હોમ ક્વોરૅન્ટીન કરવામાં આવશે. વાપી જિલ્લામાં 5000 જેટલા રજીસ્ટર્ડ ઉદ્યોગો છે. 06 જીઆઇડીસીના ઉદ્યોગોમાં અંદાજિત 1.40 લાખ જેટલા કામદારો નોંધાયેલા છે. જે તમામની આરોગ્ય ચકાસણી માટે જિલ્લામાં ખાસ ટીમ તૈયાર કરી છે. જે હવે પછીના દિવસોમાં દરેકે દરેક એકમોમાં કામદારોનું ચેકિંગ પણ હાથ ધરશે.