વલસાડઃ વાપીમાં વકીલ મંડળની વર્ષો જૂની માંગણી શુક્રવારે સંતોષાઈ હતી. વલસાડના ચીફ જસ્ટિસ પી. જી. ઉકાણીના હસ્તે વાપી કોર્ટ પરિસરમાં નવી ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટનું લોકર્પણ કરવામાં આવ્યું હતું. વાપી વિસ્તારના લોકો અને પોલીસ વિભાગ માટે મોટા કેસો માટે વલસાડ સેશન્સ કોર્ટમાં જવું પડતું હતું. સમય અને નાણાનો વ્યય થતો હતો. વાપી કોર્ટ પર કેસનું ભારણ વધુ રહેતું હતું. નવી સેશન્સ કોર્ટ કાર્યરત થવાથી પેન્ડિંગ કેસોનો ઝડપી નિકાલ થશે. પોલીસ વિભાગે IPC 302, 376 જેવા મોટા કેસના આરોપીઓને વલસાડ સેશન્સ કોર્ટ સમક્ષ લઈ જવા પડતા હતા. પરંતુ આ કોર્ટની ફાળવણી થતા વલસાડ જવાની જરૂર નહીં પડે.
આ અંગે બાર એસોસીએશનના પ્રમુખ જાગૃત ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ સુવિધા મળવાથી પ્રજા અને પોલીસના વલસાડના ધક્કા ઘટી જશે. સમય શક્તિનો બચાવ થશે આ જ્યૂડિકેશનમાં વાપી, ઉમરગામ, પારડીના લોકો તેમજ પોલીસને અને વકીલોને ફાયદો થશે. અહીં આ વિસ્તારના 2,200 જેટલા કેસ ટ્રાન્સફર થયા છે. જેનાથી નાણાનો બચાવ અને કામ ઝડપી થશે.

વાપી બાર એસોસિયેશનના સેક્રેટરી રવીન્દ્રનાથ પાંડેએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના કાયદા મંત્રાલય તરફથી વાપીમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ એન્ડ સેશન્સ જજની નિમણૂક થવાથી વકીલોને અને પ્રજાને 40 કિલોમીટર લાંબા ધક્કા ખાવામાંથી મુક્તિ મળી છે. ઘર આંગણે સુવિધા મળતા ન્યાયની પ્રક્રિયા ઝડપી થશે.

આ ઉદ્ઘાટન પ્રસંગમાં બાર એસોસિયેશનના પ્રમુખ, સેક્રેટરી સહિત મોટી સંખ્યામાં વકીલો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વાપી જીઆઇડીસી અને વાપી ટાઉનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો.
