- સરોન્ડા ગામે ખનીજ ચોરો અને સરપંચનો ભ્રષ્ટાચાર
- એગ્રીમેન્ટ્સ વિનાના તળાવની માટી બારોબાર વેંચી દીધી
- સૂઝલામ સુફલામ યોજના હેઠળ મંજૂરી મેળવી
વલસાડ: ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં સૂઝલામ સુફલામ અભિયાન હેઠળ તળાવ ઊંડા કરવા, નદી-નાળાની સફાઈ કરી જળસંચય અભિયાન શરૂ કર્યું છે. NGOની ભાગીદારી સાથેની આ યોજનામાં છેલ્લા 3 વર્ષથી અનેક ગામોમાં માટીના વેપલાનો રીતસરનો કારોબાર ધમધમી રહ્યો છે. વલસાડ જિલ્લામાં પણ હાલ કેટલાક ભુમાફિયાઓએ ગામના સરપંચ, સરકારી અધિકારીઓ સાથે મળી એવા કેટલાય તળાવો ખોદી નાખ્યા છે. જેની મંજૂરી મેળવવામાં આવી જ નથી. એવો જ કિસ્સો ફરી એકવાર ઉમરગામના સરોન્ડા ગામનો પ્રકાશમાં આવ્યો છે.
આ પણ વાંચોઃ શહીદ દિને વડોદરા કોંગ્રેસની માગણી: સમા તળાવ પાસે શહીદ વન પ્રોજેકટ શરુ કરી રાષ્ટ્રધ્વજ લગાવો
સરોન્ડા ગામમાં 5 તળાવનો સૂઝલામ સુફલામ અભિયાનમાં સમાવેશ કરાયો
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરોન્ડા ગામમાં 5 તળાવનો સૂઝલામ સુફલામ અભિયાનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે આ 5 તળાવો અનુક્રમે ઘેટિયું તળાવ, વાણિયું તળાવ, વાકડીયું તળાવ, કોટલાવ તળાવ અને ભૂંડણીયું તળાવનો સમાવેશ થાય છે. જે તમામ તળાવને ઊંડા કરવાની કામગીરીનો 2 અલગ-અલગ એજન્સીઓએ કરાર કર્યો છે. આ કરાર હેઠળ હાલ ગામના તળાવની માટી ખોદી તેના વેપલાનો ભ્રષ્ટાચાર છતો થયો છે.
ભૂંડણીયું તળાવની માટી એગ્રીમેન્ટ્સ વિના જ વેંચી દીધી
સરોન્ડા ગામના 5 તળાવમાંથી માત્ર 2 તળાવ ઊંડા કરવાના એગ્રીમેન્ટ થયા છે. જ્યારે બાકીના તળાવોમાં હજી સુધી કોઈ એગ્રીમેન્ટ્સ થયા જ નથી. પરંતુ તળાવમાંથી માટી ખોદી તેને અન્યત્ર મોકલવાની કામગીરી હાથ ધરાઈ ચૂકી છે. ભૂંડણીયું તળાવ પણ એમાંનું જ તળાવ છે, જેના એગ્રીમેન્ટ્સ થયા વિના જ તળાવની માટી ઉલેચવાનું શરૂ કરી દીધું છે.
જેસીબી, ટ્રક, ટ્રેક્ટરથી તળાવની માટી કાઢી
આ અંગે તળાવમાંથી માટી ખોદી બીજે મોકલવા માટે સુમિત નામના જેસીબી અને ટ્રક ધરાવતા માલિકે અને તેના પાર્ટનરે જણાવ્યું હતું કે, તેને સરપંચે કહ્યું છે. એટલે તેઓ માટી કાઢી અન્યત્ર જ્યાં જેને જરૂરિયાત હોય તેને આપે છે. સરપંચ નરોત્તમ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, તે ગામના સરપંચ છે, ગામમાં તળાવની માટી કાઢી તળાવને ઊંડું કરવાની કામગીરી માટે પંચાયતે ઠરાવ કરીને આપી છે. જો કે બન્ને શખ્સ પાસે ઠરાવની નકલ માંગતા તેમણે ગલ્લાતલા કર્યા હતાં.
5માંથી માત્ર 2 તળાવના એગ્રીમેન્ટ્સ
જ્યારે સૂઝલામ સુફલામ જળસંચય અભિયાન હેઠળ દમણગંગાના નોડલ અધિકારી સાથે વાત કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે, ગામના 5 તળાવના સૂઝલામ સૂઝલામ અભિયાનમાં નામ છે. પરંતુ તળાવ ઊંડું કરવા માટેનું જે એગ્રીમેન્ટ્સ થવા જોઈએ તે માત્ર 2 તળાવના જ છે. જ્યારે અહીં ભૂંડણીયું તળાવમાંથી માટી કાઢી તેનો વેપલો શરૂ થયો છે.
ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ઉંઘતા રહ્યા
સરોન્ડા ગામે એગ્રીમેન્ટ્સ વિના જ તળાવની માટીનું રોયલ્ટી ચોરીનું મસમોટું કૌભાંડ ખનીજ માફિયાઓએ આચરી દીધું છે. જેમાં વલસાડ જિલ્લાના ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ઊંઘતા ઝડપાયા છે અથવા તો તળાવની માટી ચોરીના વેપલામાં જેમ દમણગંગા નહેર વિભાગના અધિકારીઓની મીઠી નજર હેઠળ આ કામગીરી ચાલી રહી છે. તેમાં તેની પણ મિલીભગત હોઈ શકે છે. માટી ખનન અંગે ખાણ ખનીજ વિભાગના અધિકારી સાથે ટેલિફોનિક વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, સૂઝલામ સુફલામ યોજના હેઠળ પણ તળાવને ઊંડું કરવાની કામગીરી હાથ ધરતા પહેલા મંજૂરી લેવી જરૂરી છે. હાલમાં તેમની પાસે એવી કોઈ મંજૂરી મેળવી નથી. સરોન્ડા ગામ અંગે જે વિગતો મળી છે તે અંગે તપાસ કરી કાર્યવાહી કરીશું.
આ પણ વાંચોઃ મેઘરજના ખેડૂતોએ સિંચાઇના પાણી માટે સ્વખર્ચે બનાવ્યું તળાવ
અભિયાન હેઠળ ઉમરગામના 47 તળાવમાંથી માત્ર 19ના જ એગ્રીમેન્ટ્સ
ઉલ્લેખનીય છે કે, દમણગંગા નહેર વિભાગ હસ્તક ઉમરગામ તાલુકાના 47 તળાવો, ધરમપુર તાલુકાના 31 તળાવો ઊંડા કરવાની, સાફસફાઈ કરવાની, જ્યારે વાપીમાં મોરાઈ ગામે બીલખાડી, ડુંગરા ગામે દમણગંગા નદીની સાફસફાઈની કામગીરી સૂઝલામ સુફલામ યોજના હેઠળ હાથ ધરવામાં આવનાર છે. પરંતુ 31મી મે સુધીમાં પૂર્ણ થનાર આ અભિયાન હેઠળ ઉમરગામના 47 પૈકી 19 તળાવના એગ્રીમેન્ટ્સ થયા છે.
એગ્રીમેન્ટ્સ વિનાના આખેઆખા તળાવ જ ખોદાઈ રહ્યા છે
બીજા તળાવને ઊંડા કરવાના એગ્રીમેન્ટ્સ થયા નથી. 60ટકા સરકાર અને 40ટકા NGOની ભાગીદારીમાં હાથ ધરાનારા આ અભિયાનમાં સરકારી ચોપડે એગ્રીમેન્ટ્સ થયેલા તળાવમાંથી અડધા તળાવમાં પણ કામગીરી શરૂ થઈ નથી. જ્યારે એગ્રીમેન્ટ્સ વિનાના આખેઆખા તળાવ જ ખોદાઈ રહ્યા છે. ત્યારે ગામલોકોનું માનવું છે કે, જો યોગ્ય તપાસ થાય તો માટી ચોરીનું ખૂબ મોટું કૌભાંડ સામે આવે તેમ છે.