વલસાડ: વાપીના ચણોદ વિસ્તારમાં IIFLમાં કરોડોની લૂંટ ચલાવનારા આરોપીઓને ગુજરાત ATSએ કર્ણાટક અને મુંબઇથી ઝડપી પાડ્યા બાદ વલસાડ LCBને તપાસ સોંપાઇ હતી. જેમાં બંને આરોપીના કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેઓના 7 દિવસના રિમાન્ડ મેળવી કરોડોના સોનાની લૂંટના મુદ્દામાલની રિકવર કરી તજવીજ હાથ ધરી છે.
વાપી ચણોદ ખાતે ચંદ્રલોક બિલ્ડીંગમાં દાગીના પર લોન આપતી IIFLની ઓફિસમાં 9 જાન્યુઆરીના રોજ 6 બુકાનીધારીઓએ પ્રવેશી તમંચા બતાવી રોકડા અને દાગીના મળી કરોડોની લૂંટ કરી ત્યાંથી ફરાર થઇ ગયા હતા. આ કેસમાં ગુજરાત ATSએ આરોપી સંતોષ નાયકની કર્ણાટકથી તેમજ આરોપી શરમત બેગની મુંબઇથી ધરપકડ કરી તેમની પાસેથી રોકડા રૂ.70 લાખ કબ્જે લઇ આગળની તપાસ વલસાડ LCBને સોંપી હતી.
![Robbers who robbed gold](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-01-robber-remand-vis-gj10020_04062020102623_0406f_1591246583_1101.jpg)
આ કેસમાં બંને આરોપીને વલસાડ સિવિલ હોસ્પિટલમાં લઇ જઇ કોરોના રિપોર્ટ કરવામાં આવતા બંનેના રિપોર્ટ નેગેટિવ નીકળ્યા હતા. જેથી બંનેને 7 દિવસના રિમાન્ડ પર મોકલી આપવામાં આવ્યા છે. દરમિયાન મુદ્દામાલ રિકવરી અને લૂંટમાં સામેલ અન્ય આરોપીઓને પકડવામાં સફળતા મળે તેમ પોલીસ માની રહી છે. આ કેસમાં એટીએસએ અમદાવાદથી લૂંટમાં સામેલ આરોપી હરીશ ગોસ્વામીની પણ ધરપકડ કરી વધુ તપાસ ભીલાડ પોલીસને સોંપી છે.