વલસાડઃ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહે એ માટે સુગમ વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત દરેક તાલુકામાં જરૂરિયાતની વસ્તુઓ પહોંચતી કરવા માટે વિવિધ પાસ ઇસ્યુ કરવામાં આવ્યા છે. જેથી અનાજ, શાકભાજી, કઠોળ જેવી ચીજો લઈ જતા વાહનોને કોઈપણ જગ્યાએ રોકવામાં ન આવે.
આ ઉપરાંત દુકાનદારોને પણ સવારે 9થી બપોરે 11 વાગ્યા સુધીનો સમય વેચાણ માટે આપવામાં આવ્યો છે. જેથી કરીને જરૂરિયાત મંદ લોકો દુકાન પરથી સોશિયલ ડિસ્ટન્સ રાખી પોતાની ખરીદી કરી શકે. ખરીદી કરવા આવનારા લોકોનો કરિયાણાની દુકાનોમાં ભારે ધસારો જોવા મળે છે. જેથી દુકાનદારોને મુશ્કેલી પડી રહી છે.
આ સમગ્ર બાબતે ETV BHARATની ટીમે દુકાનદાર સાથે વાતચીત કરી તો તેમણે જણાવ્યું કે, માર્કેટમાં તમામ વસ્તુઓનો સ્ટોક મળી તો રહે છે, પરંતુ હોલસેલ ભાવે વેચનારા વેપારીઓ કેટલીક જગ્યાએ પાકું બિલ આપતા નથી. જેથી માત્ર મેન્યુઅલ બિલ ઉપર જ વ્યવહાર કરવાની ફરજ પડી છે. આ સાથે જ ખરીદેલો માલ તેમની દુકાન સુધી લઈ જવા માટે ઘણીવાર મોડું પણ થઈ જાય છે. જેથી સમયસર દુકાન ઉપર જરૂરિયાત મુજબનો સ્ટોક પહોંચી શકતો નથી. જો કે, વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા પણ ઉમદા કામગીરી છે. જેના થકી લોકડાઉનના સમયમાં પણ જરૂરિયાત મંદ લોકો સુધી તેમની જરૂરી ચીજવસ્તુઓ આસાનીથી પહોંચી રહી છે.
ગ્રામીણ ક્ષેત્રમાં આવેલી વિવિધ દવાઓની દુકાનમાં સેનિટાઈઝર મળી રહ્યું નથી. આ ઉપરાંત કેટલાક રોગોની દવાઓ પણ માર્કેટમાં જોઈએ તેટલા પ્રમાણમાં મળતી નથી. જેને લઇને લોકો વિવિધ દુકાનો ઉપર ધક્કા ખાતા જોવા મળી રહ્યા છે.