દિલ્હીમાં JNU અને અમદાવાદમાં એનએસયુઆઇ અને એબીવીપીના કાર્યકરો વચ્ચે થયેલા ઘર્ષણ બાદ સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લામાં દેખાવો થઈ રહ્યા છે, ત્યારે વલસાડ જિલ્લામાં એનએસયુઆઇના કાર્યકરો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. એટલું જ નહીં પોલીસની જાણ બહાર એનએસયુઆઇના કાર્યકરોએ કોંગ્રેસના કાર્યાલય પરથી એબીવીપીના કાર્યકરોનું એક ઝૂંપડું બનાવી તેને આગ ચાંપવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, આ ઘટના બને તે પૂર્વે પોલીસ સ્થળ પર પહોંચી અને આ સમગ્ર મામલાને થાળે પાડયો હતો. જો કે, પોલીસની સતર્કતાને કારણે તેઓ પૂતળાને આગ ચાપી શક્યા ન હતા. આ સમગ્ર ઘટના બાદ એન.એસ.યુ.આઇ.ના કાર્યકરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતાં.
ઉલ્લેખનીય છે કે, વિરોધ પ્રદર્શન કરવા માટે તેઓએ આવેદનપત્ર પાઠવ્યા બાદ પૂતળાનું દહન કરવા માટેની પોલીસમાંથી પરવાનગી લેવાની રહે છે. પરંતુ, આ પ્રકારની કોઇ પણ પરવાનગી લીધા વગર જ પૂતળા દહનની કામગીરી અચાનક જ કોંગ્રેસ કાર્યાલય ઉપરથી પૂતળું બહાર કાઢી શરૂ કરતાં, પોલીસ દ્વારા આ તમામ કાર્યકરોને અટકાવી અને સમગ્ર કામગીરી થાળે પાડી હતી.