આદિવાસી સમાજ આર્થિક રીતે સધ્ધર નથી હોતો. સાદગીપૂર્ણ રીતે લગ્ન કરવા પૂરતી પણ જોગવાઈ આદિવાસી સમાજ પાસે નથી હોતી. આવા સંજોગોમાં આ સમુદાયે સેંકડો વર્ષોથી લીવ ઈન રિલેશનશિપને સ્વીકારેલી છે. જો આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો સ્ત્રી-પુરુષ માત્ર ફુલહાર એટલે કે સગાઈ કરીને સાથે રહે છે. આ સંબધ વર્ષો સુધી એવો ને એવો રહે છે. આ દરમિયાન તેઓ લગ્ન કર્યા વગર જ સંતાનોને જન્મ પણ આપે છે. ક્યારેક આખી જીંદગી આવી રીતે જ તેઓ પુરી કરે છે તો ક્યારેક આર્થિક સ્થિતિ સારી થાય ત્યારે વર્ષો પછી લગ્ન કરે છે. કેટલીક વખત એવું પણ બને છે કે, સંતાનોના પહેલા લગ્ન થાય છે પછી તેમના માં-બાપના લગ્ન થાય છે. આવા જ એક લગ્ન વલસાડના સમૂહ લગ્નમાં પણ જોવા મળ્યા.
વલસાડ ખાતે યોજાયેલા સમૂહ લગ્ન સમારોહમાં માતા-પિતાના લગ્નમાં તેમના જ સંતાનો ઉપસ્થિત રહ્યા હતા. મહારાષ્ટ્રના સુરગાનાથી આવેલા દંપતી રાજેન્દ્રકૃષ્ણ વાઘમરે અને રેખા આલગુણે લગ્ન કર્યા વગર છેલ્લા 3 વર્ષથી સાથે રહે છે. 3 વર્ષના લીવ ઈન રિલેશનશિપમાં તેમને બાળકને જન્મ આપ્યો હતો. આ બાળક પોતાના જ માં-બાપના લગ્નમાં હાજર રહ્યો હતો. એ જ રીતે મહારાષ્ટ્રાના સુરગણાથી આવેલા સુભાષ પંઢરનાથ દલવી અને ગુલાબ પાવર 2 વર્ષથી લગ્ન વગર સંબધમાં હતા. બંન્નેને એક બાળકી છે. આ બાળકી પણ લગ્નમાં હતી. આ દ્રશ્ય જોઈ સમૂહ લગ્ન સમારોહમાં આવેલા બીનઆદિવાસી મહેમાનો આશ્ચર્યમાં મુકાયા હતા. જો કે તેમણે આ પરંપરાને બિરદાવી હતી.