- વાપી નગરપાલિકામાં પ્રેમોન્સૂન કામગીરીનો પ્રારંભ
- વોર્ડ નંબર 1, 2, 7 અને 10માં કામગીરી પૂર્ણ કરવામાં આવી
- ચોમાસામાં પાણી ભરાવાના પ્રશ્નો નહિવત
વલસાડ: વાપી નગરપાલિકામાં દર વર્ષે પ્રિ-મોન્સૂન કામગીરી બાદ ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા નહિવત હોય છે. પાલિકાના આ આગોતરા આયોજન હેઠળ આ વર્ષે પણ પ્રિ-મોન્સૂન કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. પાલિકા વિસ્તારમાં કુલ 11 વોર્ડ છે જેમાં 72,532 મીટર લાંબી ગટર છે. ચોમાસા પહેલા તેને સ્વચ્છ કરવામાં આવે છે. ગટરમાં ભરાયેલો કાદવ, કિચ્ચડ સહિત પ્લાસ્ટિકનો કચરો બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. આ વર્ષે પણ પાલિકા દ્વારા 21મી માર્ચથી પ્રિ-મોન્સૂન કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. જેમાં કુલ 11 વોર્ડમાંથી વોર્ડ નંબર 1, 2, 7 અને 10માં કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
![11 વોર્ડમાંથી 4 વોર્ડમાં 100 ટકા, 5 વોર્ડમાં શૂન્ય કામગીરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11569409_001.jpg)
આ પણ વાંચોઃ મોડાસાના હફસાબાદમાં ગરનાળાનું કામ નિમ્ન કક્ષાનું થતાં ગ્રામજનો રોષે ભરાયા
72,532 મીટર લંબાઈની ગટરમાંથી 27,480 મીટરનું કામ પૂર્ણ થયું છે
આ વર્ષે માર્ચ 21થી પ્રિ-મોન્સૂન કામગીરીની શરૂઆત કરી દેવામાં આવી છે. જેમાં 28મી એપ્રિલ સુધીમાં વોર્ડ નંબર 1,2,7 અને 10માં 100 ટકા કામગીરી પૂર્ણ થઈ ચુકી છે. જ્યારે વોર્ડ નંબર 4,5,6,9 અને 11માં હજુ સુધી કામગીરીની શરૂઆત થઈ નથી. 21મી માર્ચથી 31મી જૂન સુધી ચાલનારી પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત પાલિકા વિસ્તારની કુલ 72,532 મીટર લંબાઈની ગટરમાંથી 27,480 મીટર લંબાઈની ગટરનું કામ પૂર્ણ થયું છે. 45,052 મીટર કામગીરી બાકી છે. પ્રિ-મોન્સૂન કામગીરીના સવા મહિનામાં 37.89 ટકા કામગીરી પૂર્ણ થઈ છે.
આ પણ વાંચોઃ રાજકોટમાં રોષે ભરાયેલાં સ્થાનિકોએ સફાઈ મુદ્દે મેયરને ઘેર્યા
5 વર્ષથી રેલવે ગરનાળાની સમસ્યા યથાવત
રેલવે ગરનાળુ અને તેની આસપાસનો વિસ્તાર દર વર્ષે ચોમાસાના પાણીમાં ગળાડૂબ બનતો હોય છે. જે અંગેનું કોઈ ચોક્કસ નિરાકરણ પાલિકા છેલ્લા 5 વર્ષથી લાવી શકી નથી.