વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલા ગાંધીવાડી વિસ્તારમાં મણીબેન ધનસુખલાલ એન્ટરપ્રાઇઝ દુકાનમાં આ ગેરકાયદેસર વેપાર ચાલતો હતો. જેમાં આધારકાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, બેન્ક પાસબુક, સ્કૂલ બોનોફાઇડ સહિતના ડોક્યુમેન્ટ બનાવવામાં આવતા હતા. આ અંગે પોલીસ વિભાગને જાણ થતા અહીં દરોડા પાડવામાં આવ્યા. જેમાં સ્થળ પર વિનેશ ઉર્ફે બંટી ધનસુખ ભંડારી (રહેવાસી-ઉમરગામ, રોહિત વાસ) તથા રણજીતસિંહ રામ નરેશસિંહ (રહેવાસી-વાપી સુથાર વાળ મૂળ રહેવાસી પટના બિહારને) ઝડપી પાડ્યા હતા.
આ લોકો પોતાના આર્થિક ફાયદા માટે પાનકાર્ડ આધારકાર્ડ ચૂંટણીકાર્ડ બનાવવા માટે કેટલાક ઇલેક્ટ્રોનિક માધ્યમ લેપટોપ વગેરેનો ઉપયોગ કરી જાહેર જનતાના આધારકાર્ડ, પાન કાર્ડ, ચુંટણી કાર્ડ તથા બીજાના નામની માહિતી મેળવી બેન્ક પાસબુક અને સ્કૂલનું બોનોફાઇડ સર્ટી ખોટી માહિતી સાથે ગેરકાયદેસર રીતે બનાવતા હતા.
આ લોકો આધાર કાર્ડની ઓનલાઈન સાઈટમાં અન્યના લોગીન આઈ.ડી. અને પાસવર્ડનો ઉપયોગ કરતા હતા. જ્યાં ફિંગર પ્રિન્ટની જરૂર પડતી હતી ત્યાં તેમણે ફેવિકોલથી રબર સ્ટેમ્પ બનાવ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન તેમની પાસેથી રોકડ રૂપિયા 54,150 સાથે ઇલેક્ટ્રોનિક ઉપકરણ તથા જરૂરી સાહિત્યની કિંમત 2,10 ,555 કુલ કિંમત 2,64,705 મુદ્દામાલ જપ્ત કર્યો છે.
કેવી રીતે કરતા હતા તેવા સમગ્ર કામગીરી..
આ બંને યુવકો જો કોઈની પાસે કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ ન હોય તો તેઓને આધારકાર્ડ બનાવવા માટે લેપટોપમાં ખોટું બેન્ક એકાઉન્ટ બનાવતા. જેમાં એસબીઆઇના નામનું એકાઉન્ટ બનાવી તેનું એડ્રેસ પણ ખોટું બનાવી તેના ઉપરથી ખોટું ચૂંટણી કાર્ડ બનાવતા. બાદમાં પોતાની પાસે રાખેલી સિસ્ટમ લેપટોપ જેના નામે હોય તેનું ફિંગર પ્રિન્ટ ફેવિકોલના ઉપયોગથી બનાવી લેતા હતા અને તેનાથી આધાર કાર્ડની સાઇટ ઉપર લોગીન થઇ આધારકાર્ડ બનાવી આપતા હતા.
આ માટે તેઓ 800થી 1500 રૂપિયાનો ચાર્જ લેતા હતા. આવા સિસ્ટમ વાળા ત્રણ લેપટોપ તથા ડુપ્લીકેટ ચૂંટણી કાર્ડ, 80 પાનકાર્ડ, 78 દિવ્યજ્યોત અંગ્રેજી હાઇસ સ્કુલ બોનોફાઇડ સર્ટી, 12 ભારતીય સ્ટેટ બેન્કની અલગ-અલગ શાખાની પાસબુકના પ્રથમ પાનાના પેજની નકલો, 31 આધાર કાર્ડની રીસીપ્ટ અને 50 આધારકાર્ડ પોલીસે કબ્જે કરેલા છે. આ બધી કાર્યવાહી કરવા માટે તેઓની પાસે પાંચ જેટલા લેપટોપ તથા મશીનને નેટ સાથે કનેક્ટ કરી તેઓ ઓનલાઇન કામગીરી કરતા હતા. તેમજ ફિંગર લેવા માટે તેઓ ફેવિકોલનો ઉપયોગ કરી થંબ બનાવી અન્ય જગ્યાએ તેનો ઉપયોગ પણ કરતા હતા.
નોંધનીય છે કે, આ ડુપ્લીકેટ આધાર કાર્ડ બનાવવાના કૌભાંડમાં આરોપી વિનેશ ભંડારી ડિપ્લોમા કોમ્પ્યુટર એન્જિનિયર સુધીનો અભ્યાસ કરેલો છે. જેના કારણે તે કોમ્પ્યુટર નિષ્ણાંત છે, જ્યારે કરણજીતસિંહ માત્ર ધોરણ 12 સુધીનો અભ્યાસ કરેલો છે.
અગાઉ આ બંને સરકારના નિયત કરવામાં આવેલા આધાર કાર્ડ સેન્ટરમાં ફરજ બજાવતા હોવાથી લોકોને પણ તેમના ઉપર વિશ્વાસ હતો કે, તેઓ કાયદેસર રીતે જ આ કામ કરી રહ્યા છે, પરંતુ ઉમરગામ જીઆઈડીસી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતું આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ, બેન્ક પાસબુક, સ્કૂલ બોનોફાઇડ બનાવી આપતા આ બે આરોપીને પોલીસે ઝડપી લેતા લોકોમાં પણ હાલ આ સમગ્ર કૌભાંડ ચર્ચાનો વિષય બન્યું છે.