વાપીના અમિત એન્જીનીયરીંગ નામની કંપની ચલાવતા અમિત કુમાર મોહનલાલ શાહ ગત 9મી ફેબ્રુઆરીએ પોતાની કંપનીમાંથી BMW કારમાં પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે, વાપી GIDC વિસ્તારમાં લઘુશંકા કરવા પોતાની કારમાંથી ઉતર્યા હતાં. તે સમયે પાછળથી એક બજાજ પલ્સર મોટરસાયકલ પર આવેલ ત્રણ અજાણ્યા ઈસમોએ તેમજ હોન્ડા એકોર્ડ કારમાં આવેલા બીજા ત્રણ ઈસમોએ તેમને ધાકધમકી આપી. તેમની જ કારમાં બંધક બનાવી વાપી નજીકના એક ફાર્મમાં લઈ ગયા હતાં. ત્યાં તેને ધમકી આપી તેમના ઘરે ફોન કરાવડાવી 50 લાખ રૂપિયા પડાવી લીધા હતા.
આ ઘટના અંગે વલસાડ જિલ્લાપોલીસ વડા સુનિલ જોશીએ જણાવ્યું હતું કે, અમે આ ઘટનામાં SOG, LCB અને GIDC પોલીસની અલગ અલગ ટીમ બનાવી આ અપહરણ અને ખંડણીના કેસમાં સંડોવાયેલ 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. 5 આરોપીઓ વોન્ટેડ છે. પકડાયેલ આરોપીઓ પાસેથી 5 લાખ રોકડ અને 12લાખનો આઈશર ટેમ્પો, 5 લાખની કાર અને 50 હજારની કિંમતનું બાઇક સહિત કુલ 24,39,500નો મુદ્દામાલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની આ સરાહનીય કામગીરી અંગે ભોગ બનનાર ફરિયાદી અમિતકુમારે પણ પોલીસની કામગીરીને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે અપહરણકારોએ તેમને ધાકધમકી આપી હતી કે તેને સોપારી આપવામાં આવી છે. જેણે સોપારી આપી છે. તેને તેણે 50 લાખ રૂપિયા આપવાના છે. જેમાંથી 20 ટકા રકમ તેમને મળશે. પરંતુ અમિતકુમારે જણાવ્યું હતું કે તેમને આવી કોઈ રકમ કોઈને પણ આપવાની થતી નથી.
પોલીસે ઝડપેલાં આરોપીઓમાં જે વાડીમાં ફરિયાદીને લઈ જવાયા હતા તે નરેશ હળપતિના પુત્ર દેવ્યાંગ હળપતિ, 17 દિવસ રેકી કરનાર રોહિત પ્રકાશ કે જેની પાસેથી 1 લાખ રૂપિયા રોકડા મળ્યા છે. ગુના માટે પોતાની કાર અને બાઇક વાપરનાર ફેલીક્ષ શિબુ થોમસ પાસેથી 3.53 લાખ રોકડા મળી આવ્યા છે. જીન્સ જ્હોન નામના રેકી કરનાર ઈસમ પાસેથી 86 હજાર રોકડા મળી આવ્યા હતા. આ ઉપરાંત અન્ય ઈસમ જેમાં મુખ્ય સૂત્રધાર મનાતો વિશાલ ભંડારી, અંકિત મુરલીધરનો સમાવેશ થાય છે. જ્યારે આ સમગ્ર ઘટનામાં પોલીસે અન્ય પાંચ લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે.
આગળ વાત કરતાં પોલીસે જણાવ્યું હતું કે, "પકડાયેલા આરોપીઓમાં કેટલાક આરોપીઓ મહારાષ્ટ્ર અને કેરળ જેવા અન્ય રાજ્યના હોય આ ગેંગે અન્ય કોઈ ગુનો આચાર્યો છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે."