- આઠમના નોરતે મહાઆરતી સાથે ગરબાની રમઝટ
- સોસાયટી- શેરીઓને રોશનીથી શણગારી નવરાત્રી પર્વની ઉજવણી કરી
- ગુજરાતી લોકગાયકોના ભજન- ગીતના સંગાથે ગરબે રમ્યાં
વલસાડ: જિલ્લા સહિત વાપીમાં આઠમા નોરતાએ હવન- યજ્ઞનો મહિમા હોય માતાજીની ભક્તિ-આરાધના કરી મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપીમાં ચલા વિસ્તારમાં આવેલી પ્રમુખ સહજ સોસાયટીમાં ખેલૈયાઓએ હાલના કોવિડકાળની જનજાગૃતિ આપતા સંદેશાઓના બેનર સાથે ગરબે ઘૂમ્યા હતાં. સોસાયટીના દરેકે માસ્ક પહેરવું, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જેવા બેનર સાથે ગરબે ઘૂમવા સાથે દીપ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ ખેલૈયાઓએ હાથમાં દીવડા લઈ ત્રણ તાલી રાસ રમી માતાજીની આરાધના કરી હતી. ભાતીગળ પોશાકમાં સજ્જ મહિલાઓ અને અબાલવૃદ્ધ સૌકોઈએ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ ગરબાની રમઝટ બોલાવી હતી.
DJ ના તાલે સોસાયટીના સભ્યો ગરબે રમ્યા હતાં
વાપીના ચલા વિસ્તારમાં આવેલ શિવાલિક હાઇટ્સ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સોસાયટીને રોશનીથી શણગારી નવરાત્રી પર્વની ઉજવણી કરી હતી. 7 નોરતા સુધી દરરોજ માતાજીની આરાધના સાથે આઠમા નોરતે મહાઆરતી- મહપૂજાનું આયોજન કરી માતાજીની આરાધના કરી હતી. DJ ના તાલે સોસાયટીના સભ્યો ગરબે રમ્યા હતાં. જેમાં મોટેરાઓ પોતાના વડીલ મિત્રો સાથે ગરબાની રમઝટ બોલાવી હતી. મહિલાઓએ ભાતીગળ પહેરવેશમાં સજ્જ થઈ સખીઓ સાથે ગરબે રમી હતી. યુવાનો પણ પોતાના મિત્રો સાથે ગરબે ઘૂમ્યા હતાં.
પચરંગી શહેર વાપીમાં ખેલૈયાઓએ ગરબે રમવાનો આનંદ ઉઠાવ્યો
ઉલ્લેખનીય છે કે, પચરંગી શહેર ગણાતા વાપીમાં દરેક સોસાયટીઓમાં ગુજરાતી, મરાઠી, રાજસ્થાની સહિત દક્ષિણ ભારતીય અને ઉત્તરભારતીય સમાજના પરિવારો વર્ષોથી વસવાટ કરી રહ્યા છે. જેઓ નવરાત્રી પર્વમાં આઠમના નોરતાએ ભવ્ય આયોજન કરે છે. તમામ પરિવારો પોતાના પારંપરિક પોશાકમાં સજ્જ થઈ ગરબે રમે છે. DJ ના તાલે ગુજરાતી લોકગાયકોના ભજન- ગીતના સંગાથે રાસ ગરબાની મોજ માણે છે.