વલસાડ: પારડી તાલુકાના વિવિધ ગામોમાં વીજચોરી પકડવા માટે DGVCLની ટીમો સતત ફરી રહી છે. જ્યાં અનેક ખેતરોમાં વીજ પોલ ઉપર ડાયરેકટ લાઈન કરી વીજ ચોરી કરવામાં આવી રહી હોવાનું બહાર આવી રહ્યું છે. ત્યારે ધરમપુર વિભાગમાં આવેલ નાનાપોઢા વીજ વિભાગમાં આવતા પારડી તાલુકાના પાટી ગામે ટીમ પહોંચી હતી.
વીજ અધિકારીઓ દ્વારા ચેકિંગ: ધરમપુર વિભાગીય કચેરીની સૂચના મુજબ નાનાપોઢા સબ ડિવિઝનની 5 ટીમે પારડી તાલુકાના અરનાલા પાટી ગામે વીજ અધિકારીઓએ ચેકિંગ હાથ ધરી હતી. તે દરમિયાન હેમંત ગોવિંદભાઈ પટેલ, પ્રદીપ ગોવિંદભાઈ પટેલ, અને કમલેશ નગીનભાઈ પટેલ વીજ તાર પર આંકડા નાખી વીજ ચોરી કરતા પકડાયા હતા. જેના ઘરે વીજ અધિકારીઓએ લાઈટ બિલ માંગતા પાછળથી પ્રદીપ પટેલે જુનિયર એન્જિનિયર હેમંત સી. પટેલના ગળા ઉપર ચપ્પુ મૂકી દીધું હતું.
વીજબિલ માંગતા હુમલો: વીજ કંપનીની ટીમે પાટી ગામે પહોંચેલી વડ ફળિયામાં પહોંચીને ગોવિંદબજાઈના ઘર આંગણે આવેલા વીજ પોલ ઉપર સીધા વાયર નાખીને વીજચોરી રંગે હાથે ઝડપી લીધી હતી. કર્મચારીએ એમના ઘરે પહોચી વીજબીલ માંગતા ત્યાં અચાનક આવેલા હેમંત ગોવિંદ પટેલે તમે કોણ છો ? અહીં કેમ આવ્યા છો ? તમને કોણે સત્તા આપી કહી જુનિયર ઈજનેર હેમંત પટેલ ઉપર ધસી જઈ ચપ્પુ ગળાના ભાગે મૂકી દેતા વીજ કર્મચારી અને સ્થાનિક યુવકો વચ્ચે ઝપાઝપી થઈ ગઈ હતી. જેમાં વચ્ચે બચાવવા આવેલ અન્ય એક જુનિયર ઈજનેર પીનાકભાઈને ઇજાઓ પહોંચી હતી.
" ધરમપુર ડિવિઝનના સબ ડિવિઝન નાનાપોઢા ક્ષેત્રમાં આવતા પાટી ગામે સવારથી વીજ ચોરી ચેકીંગમાં 5 ટીમો દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરાઈ હતી. ત્યારે ડાયરેકટ લાઈન ઉપર વાયરો નાખી ચોરી કરી રહેલ ગોવિંદભાઈ પટેલના ઘર આંગણે પહોંચી આધાર કાર્ડ અને વીજબીલ માંગતા તેમજ ચોરી માટે નાખેલા વાયરો કાપી નાખતા ગોવિદભાઈનો પુત્ર હેમંત દોડી આવીને વીજ કર્મચારી ઉપર હુમલો કર્યો હતો. જેમાં પીનાકભાઈને ડાબા હાથની આંગળીમાં ચપ્પુ વાગતા ઇજાઓ થઈ હતી." - હેમંત પટેલ, જુનિયર ઈજનેર
ધક્કામુક્કીનો વીડિયો થયો વાયરલ: સમગ્ર ઘટનામાં થયેલ બોલાચાલી અને ધક્કામુક્કીની ઘટના અંગેનો વીડિયો વીજકર્મીઓએ બનાવી ઉચ્ચ અધિકારીને મોકલતા સમગ્ર ઘટના બહાર આવી હતી. ઘટનામાં વીડિયો વાયરલ થતાં વીજકર્મીઓ દ્વારા પોલીસ ફરિયાદ પારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે હેમંતભાઈ, પ્રદીપભાઈ અને કલ્પેશભાઈ સામે સરકારી કામમાં રુકાવટ ઉભી કરવા અને હુમલો કરવા અંગે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ માટે કવાયત હાથ ધરી છે.