વલસાડ/પારડી: પૈસાનો મામલો ક્યારેક પોતાના કહેવાતા માણસોથી અલગ કરાવી બેસે છે. આવી જ ઘટના પારડી માંથી સામે આવી છે. જ્યાં નાના દીકરાએ પિતા પાસે રૂપિયા બે લાખ જેવી રકમ માંગતા પિતાએ પુત્રની હત્યા કરી હતી. પોલીસ વિભાગના રિપોર્ટ માંથી મળતી વિગત અનુસાર, પારડી તાલુકાના રોહિણા ગામે દામુ ફળિયા ખાતે રહેતા નામદેવ બાબુભાઈ નાયકાએ પોતાના જ દીકરાને પતાવી દીધો. નાના દીકરા એ પોતાનું ઘર બનાવવા માટે પિતા પાસે રકમ માંગી હતી. પિતા પુત્ર વચ્ચે થયેલા ઝઘડામાં પિતાને ફ્રેક્ચર થયું છે. જ્યારે આજ પાલક પિતા એ દીકરાનો જીવ લઈ લીધો હતો. પોલીસે આ કેસમાં હત્યાનો ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી છે.
હત્યાનું કારણ પ્રથમ જોતા જમીનના ઝઘડામાં રૂપિયા આપવા બાબતે હત્યા થઈ હોવાનું જણાય આવે છે. જમીન અને નાણાની લેવડ દેવળ મામલે પરિવારમાં પિતાએ પોતાના સગા પુત્રને પોતાના હાથે ગુમાવ્યો હતો.-- એ.કે.વર્મા (ડી વાય એસ પી )
મોતને ઘાટ ઉતાર્યો: ઘટનામાં સવારે 8:30 વાગ્યે પિતા નામદેવ નાયકાએ તેના સગા નાના પુત્ર નરોત્તમ પર કુહાડીના ઘા ઝીંકતા સ્થળ ઉપર મોતને ઘાટ ઉતાર્યો હતો. જ્યારે પિતા પુત્ર વચ્ચે થયેલા ઝઘડામાં પિતાને ફેક્ચર થતા પ્રથમ રોહિણા સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ વલસાડ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટનાની જાણ પારડી પોલીસ મથકના પી.આઈ બીજે સરવૈયાને થતા તેઓ તેમની ટીમ સાથે રોહિણા ગામે સ્થળ ઉપર દોડી આવ્યા હતા. બાદમાં વલસાડના ડીવાયએસપી એકે વર્મા પારડી આવી પહોંચ્યા હતા.
આ પણ વાંચો
અગાઉ પણ પૈસાની માંગણી: હત્યા કરનાર પિતા સામે ગુન્હો દાખલ આ ઘટનાને લઈ સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ જવા પામી હતી. ઘટના અંગે પારડી પોલીસ મથકે આરોપી પિતા નામદેવ નાયકા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અગાઉ પણ પૈસાની માંગણી કરવા માટે નાનો પુત્ર પિતા પાસે આવ્યો હતો. તે બંને વચ્ચે અગાઉ પણ બે વાર પૈસાની માંગણી કરતા બોલાચાલીની ઘટના બની હતી. જેમાં વચ્ચે મોટો પુત્ર પડતા મામલો થાળે પડ્યો હતો. તેને થોડા દિવસની મોહલત આપવામાં આવી હતી જે બાદ આજે ફરીથી આ ઘટના બની છે.