આદિવાસી વિકાસ મંડળ સંચાલિત ધરમપુર તાલુકાના ભેંસધરા ગામે આવેલી આશ્રમશાળામાં ધોરણ ૧ થી ૧૦ ના વિદ્યાર્થીઓ અહીં જ રહીને અભ્યાસ કરે છે. આશ્રમશાળાના બિલકુલ નજીકથી વહેતી લાવરી નદીમાં શનિવારના રોજ અચાનક ઘોડાપુર આવતાં લાવરી નદીનું પાણી આશ્રમશાળા સંકુલમાં ફરી વળ્યું હતું. જોત જોતામાં આ પાણી આશ્રમશાળાના દસથી બાર જેટલા રૂમોમાં કમર સુધી ફરી વળ્યું હતું.
રૂમમાં રહેતા તમામ બાળકોને બાજુમાં આવેલી આશ્રમ શાળાની નવી બિલ્ડિંગના પહેલા માળે ખસેડી લેવામાં આવ્યા હતા. બાળકોનો તો હેમખેમ બચાવ કરી લેવાય પરંતુ નદીના પાણી ઓસર્યા બાદ એટલી હદે નુકસાન થયું હતું કે, આશ્રમશાળાની બહારના ભાગે બનાવવામાં આવેલી 100 મીટરની દિવાલ તૂટી ગઈ હતી.
આશ્રમશાળા સુધી નદીની ઉપરથી જોડતો કોઝવે પણ ધોવાઇ ગયો હતો. આ તમામ સમસ્યાને પહોંચી વળવા તેમજ આશ્રમશાળાને ફરીથી ધબકતી કરવા માટેનું કાર્ય ખૂબ કઠિન હતું. જો કે કુદરતી આફત સમયે સેવાયજ્ઞ કરીને હંમેશા તેમના સૂત્રને વળગી રહેતા વનરાજ કોલેજ ધરમપુરના NSSના વિદ્યાર્થીઓ તેમજ શ્રીમદ્ રાજચંદ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આ તમામ કામગીરી ને હોશે હોશે ઉપાડી લીધી હતી.
આશ્રમશાળાના સંસ્થાપક અને ટ્રસ્ટી ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઇ પટેલે જણાવ્યું કે, ભારે વરસાદને કારણે લાવરી નદીમાં આવેલા પુરને લીધે આશ્રમશાળાની હાલત ખુબ જ ખરાબ બની ગઇ હતી. અહીં આગળ અનેક લોકોને સાફ સફાઈ માટે બોલાવવામાં આવ્યા. પરંતુ બહુ ઓછા લોકો આવ્યા હતા. ત્યારે જરુરિયાતના સમયે NSSના વિદ્યાર્થીઓએ ઉત્તમ કામ કરીને સાથ સહકાર આપીને સહાય કરી હતી.