વાપી: વાપી તાલુકાના છરવાડા ગામની રમજાનવાડીમાં 14મી જૂને થયેલ નેપાળી મહિલાના મર્ડરના ગુનામાં વલસાડ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી એ જ બિલ્ડિંગમાં રહેતો હતો. મહિલા તેની અઘટિત માંગણીને તાબે નહિ થતા મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો.
બ્લેડને આધારે આરોપી પકડાયો: વાપી તાલુકાના છરવાડા ગામની રમજાનવાડીમાં 14મી જૂને નેપાળી મહિલાનો મૃતદેહ તેમના જ ઘરમાંથી મળી આવ્યો હતો. ગુરૂકૃપા એપાર્ટમેન્ટમાં બીજા માળે તેનું ગળું દબાવી કોઈએ હત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ કાઢી પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં હત્યાના બનાવ સ્થળેથી પુરાવારૂપે પોલીસને દાઢી કરવાની બ્લેડ મળી હતી. જે બ્લેડને આધારે પોલીસે હત્યારાને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
મહિલાએ પ્રતિકાર કરતા હત્યા: જો કે મહંમદ સમીમની અઘટિત માંગણીને તાબે થવાને બદલે મહિલાએ તેનો પ્રતિકાર કરતા તેણે તેનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. ઘટના દરમ્યાન હત્યારો પુરા પ્લાનિંગ સાથે આવ્યો હતો. તે પોતાના ઘરેથી એક બ્લેડ લઈને આવ્યો હતો. જો કે મહિલાની હત્યા બાદ તે બ્લેડને ત્યાં જ ફેંકી ને ભાગી ગયો હતો. આ બ્લેડ હત્યાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ તપાસ કરનાર પોલીસ ટીમને મળી હતી. જે આધારે પોલીસે ટેકનીકલ તથા ફીલ્ડ વર્ક તેમજ ઇન્ટ્રોગેશનની કામગીરી કરી હત્યારા મહંમદ સમીમને દબોચી લીધો હતો.
" મૂળ નેપાળના અર્જુનસિંગ તેમની પત્ની લક્ષ્મીસિંગ અને 2 સંતાનો સાથે રમજાનવાડીના ગુરુકૃપા એપાર્ટમેન્ટમાં રહેતો હતો. જે સેલવાસની એક હોટેલમાં નોકરી કરતો હોય સપ્તાહમાં એક વાર જ ઘરે આવતો હતો. આ જ એપાર્ટમેન્ટમાં મહમદ સમીમ મહમદ હકીમ રાઇન નામનો ઈસમ પણ રહેતો હતો. જેણે રાત્રે મહિલા એકલી હતી ત્યારે બદ ઇરાદે તેની રૂમનો દરવાજો ખખડાવ્યો હતો. મહિલાએ દરવાજો ખોલ્યો ત્યારે તેને ધક્કો મારી ઘરમાં પ્રવેશી ગયો હતો." - ડૉ. રાજદીપસિંહ ઝાલા, પોલીસવડા, વલસાડ
ગુસ્સામાં આવીને આરોપીએ કરી હત્યા: ઉલ્લેખનીય છે કે, નેપાળી મહિલાની હત્યા કરનાર પડોશી હત્યારો મહંમદ સમીમ મૂળ બિહારનો વતની છે. અને બલીઠા ખાતે ગારમેન્ટ કંપનીમાં પ્રીન્ટનું કામ કરે છે. જેણે મહિલાની એકલતાનો લાભ લઇ અઘટીત માંગણી કરી હતી. મહિલાએ આનાકાની કરી સામનો કરતાં આરોપીએ ગુસ્સામાં આવી જઇ મહિલાનું ગળુ દબાવી હત્યા કરી નાખી હતી. જે બાદ સવારના સમયે પોતાના કામ ઉપર જતો રહ્યો હતો. આ ગુનાની તપાસ ડુંગરા પોલીસ મથકને સોંપવામાં આવી હતી. તેમજ LCB, SOG ની અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી. જે દરમ્યાન આરોપીને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.