વલસાડ: નગરપાલિકાના વોર્ડ નંબર 11 વિસ્તારમાં આવેલા અબ્રામા ક્ષેત્રના વૃંદાવન સોસાયટીની પાછળના ભાગમાં એક મોટુ તળાવ આવેલું છે. આ તળાવમાં બે દિવસ પૂર્વે કોઈક અજાણ્યા ઇસમો દ્વારા ઝેરી દવાઓ નાખી દેવામાં આવતા અહી સેંકડોની સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં પાણીમાં તણાઈ આવી હતી. સેંકડોની સંખ્યામાં મોતને ભેટેલી માછલીઓને કારણે આસપાસના વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ વર્તાઈ હતી જેના કારણે વૃંદાવન સોસાયટીના રહીશોએ વોર્ડ નંબર 11 સભ્યોને સમગ્ર ઘટના અંગે જાણકારી આપી હતી.
જેને પગલે વોર્ડ નંબર 11ના કોર્પોરેટર ઝાકીરભાઇ પઠાણે સ્થળ પર પહોંચીને નિરીક્ષણ કર્યા બાદ તેમણે વલસાડ પાલિકાના આરોગ્ય વિભાગની જાણકારી આપતા પાલિકા વિભાગ દોડતું થયું હતું.પાલિકાના અધિકારીઓએ મૃતક માછલીઓને બહાર કાઢવા અને તળાવમાં આવતી અસહ્ય દુર્ગંધ દૂર કરવા અંગેની કામગીરી હાથ ધરી હતી.
નોંધનીય છે કે, આ તળાવની નજીકમાં એક આંબાવાડી આવેલી છે અને આ આંબાવાડીમાંથી કોઈ ઈસમ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જેના પગલે સેંકડોની સંખ્યામાં માછલીઓ મોતને ભેટી છે અને જેના કારણે અસહ્ય દુર્ગંધ વર્તાઈ રહી છે અને સોસાયટીના રહીશોને અહીં ઊભા રહેવામાં પણ નાકનું ટેરવું પકડવું પડી રહ્યું છે.