કેમિકલ ઉદ્યોગ ક્ષેત્રે બજેટમાં મોટી આશા
MSME સેક્ટર માટે મહત્વની જાહેરાતની અપેક્ષા
રોજગારીમાં 40 ટકાનું માતબર યોગદાન MSME સેકટર આપી રહ્યું છે
વલસાડઃ ફેબ્રુઆરી મહિનામાં રજૂ થનાર કેન્દ્રીય બજેટમાં વાપીના કેમિકલ ઉદ્યોગક્ષેત્રે કાર્યરત ઉદ્યોગકારોને મોટી આશા છે. વાપીમાં ખાસ કરીને MSME સેક્ટરને નડી રહેલી સમસ્યાઓને દૂર કરી GDP રેટમાં વધારો કરી શકે તેવી જાહેરાતો નાણાપ્રધાન કરે તેવી અપેક્ષા વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોદ્દેદારોએ સેવી છે.
બજેટ પર ઉદ્યોગકારો મોટી આશા
1લી ફેબ્રુઆરીએ સંસદમાં નાણાપ્રધાન નિર્મલા સીતારામન વર્ષ 2021/22નું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. ત્યારે આ બજેટમાં વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન કેવી આશા અપેક્ષા સેવે છે. તે અંગે VIA ના પ્રમુખ પ્રકાશ ભદ્રાએ વિગતો આપી હતી કે, વાપી એક મોટું ઇન્ડસ્ટ્રીયલ હબ છે. આ બજેટ પર ઉદ્યોગકારો મોટી આશા લઈને બેઠા છે. તમામ સેકટર સાથે MSME સેક્ટર પણ આ બજેટમાં મોટી આશા સેવી રહ્યું છે.
દેશના કુલ GDPમાં 30 ટકાનો ફાળો
દેશના કુલ GDPમાં 30 ટકા અને રોજગારીમાં 40 ટકાનું માતબર યોગદાન MSME સેકટર આપી રહ્યું છે. ત્યારે આ સેક્ટર માટેની ખાસ જોગવાઈઓ સાથેની લાભદાયક જાહેરાત આ બજેટમાં આપે એવી સરકારની ફરજ હોવાનું ઉદ્યોગકારોએ જણાવ્યું હતું.
ટેક્સ પેકેજ આપવામાં આવે તેવી માગ
તેઓના મતે MSME સેકટરની જે આશા અપેક્ષાઓ છે, તેમાં GSTમાં લાભો મળે સાથે જ ભૂતકાળમાં જેવી રીતે સંઘપ્રદેશ અને કચ્છમાં ખાસ ટેક્સ હોલી ડે પેકેજ આપવામાં આવ્યાં હતા. તેવી કોઈ મહત્વની જાહેરાત કરવામાં આવે. કોર્પોરેટ ટેક્સ રેટમાં ઘટાડો કરે, ક્રેડિટ ફેસીલીટીઝ આપવામાં આવે.
સ્ટાર્ટઅપ ઉદ્યોગ માટે ખાસ જાહેરાત કરે
આ ઉપરાંત જે સ્ટાર્ટઅપ બિઝનેસ છે, તેવા બિઝનેસમાં મૂડીરોકાણ, સ્થળ પસંદગી માટે single window clearance system અમલી બનાવવામાં આવે. જો આ પ્રકારની જાહેરાત આ બજેટમાં કરવામાં આવશે તો આવનારા દિવસોમાં તમામ ઉદ્યોગકારો દેશના GDP રેટમાં પણ પોતાનું સારું યોગદાન આપી શકશે. દેશ બે આંકડાનો GDP રેટ પ્રાપ્ત કરી વોકલ ફોર લોકલના સૂત્રને સાર્થક કરી શકશે.