વલસાડમાં શનિવારે મહત્તમ તાપમાન 32 ડીગ્રી રહ્યા બાદ લઘુત્તમ તાપમાન 19 ડીગ્રી સુધી ગગડ્યું હતું. ત્રણેક દિવસથી સતત તાપમાન નીચું જતા ફુલગુલાબી ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. ઠંડીની સીઝનમાં મોટાભાગના લોકો વ્યાયામ પર વધુ ભાર મૂકે છે. અબાલવૃદ્ધ સૌ કોઈ શહેરના મુખ્ય માર્ગો પર કે, બગીચામાં મોર્નિંગ વૉક સહિતની કસરત કરવા નીકળી પડે છે.
વાપીના ગુંજન વિસ્તારમાં આવેલ 'C' ટાઈપ ગાર્ડન, રામલીલા મેદાનમાં વહેલી સવારે મોટી સંખ્યામાં પુરુષો-મહિલાઓ, યુવાનો અને બાળકો કસરત કરવા માટે આવી રહ્યા છે. મોટેરાઓ વોકિંગ કરી શરીરમાં સ્ફૂર્તિ તાજગીનો અનુભવ કરી રહ્યા છે. તો, યુવાનો શરીર માટે જરૂરી કસરતના દાવ કરી રહ્યા છે. બાળકો હિંચકા અને લપસણી પર મનોરંજન કરતા જોવા મળી રહ્યા છે. કેટલાક યુવાનો રવિવારે રજાનો દિવસ હોય ત્યારે વહેલી સવારથી જ મેદાનમાં ક્રિકેટ, વોલીબોલ સહિતની રમતો રમી ઠંડીમાં સ્ફૂર્તિ-તાજગીનો એહસાસ કરે છે.
હાલમાં શિયાળાની ઋતુમાં સમગ્ર ગુજરાતમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ શનિવારે રાજકોટ, નલિયા અને ડીસામાં તાપમાનનો પારો 16 ડીગ્રી પર આવી ગયો હતો. જ્યારે વલસાડ જિલ્લામાં મહત્તમ તાપમાન 32 ડીગ્રી રહ્યા બાદ લઘુત્તમ તાપમાન 19 ડીગ્રી રહ્યું હતું. એ જ રીતે બરોડામાં પણ 19 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ગાંધીનગર, ભુજ, કંડલામાં 17 ડીગ્રી લઘુતમ તાપમાન વાર્તાયું છે.
ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં ફરી એકવાર 'પવન' નામનું વાવાઝોડું સાઉથ-વેસ્ટ અરબ સાગરમાં ઉદ્દભવ્યું છે. એ જ રીતે કાશ્મીરમાં હિમની શરૂઆત થતા ગુજરાતમાં ઠંડીનો પારો વધુ નીચે ગગડવાની શકયતા વર્તાઈ રહી છે.