વેતરણ અને સચિન વચ્ચે રેલવે માં બની રહેલા વેસ્ટર્ન કોરીડોર ને લીધે વલસાડ રેલવે મોગરાવાડી અંડરબ્રિજ નંબર સાત તારીખ 20ના રોજ થી 75 દિવસ માટે બંધ કરી દેવામાં આવશે જે અંગેની જાણકારી મોગરાવાડી અંડર બ્રિજ પર કરનારી એરપોર્ટ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં જાણ કરી આપી છે.
મહત્વનું છે કે મોગરાવાડી અંડરબ્રિજનો ઉપયોગ ખેરગામ સુધી જતા અનેક લોકો કરે છે, આ માર્ગ ઉપર અંદાજિત ૨૦થી વધુ ગામો આવેલા છે અને આ તમામ લોકો આ બ્રિજ નીચેથી પસાર થઈને જતા હોય છે. પરંતુ અચાનક ૭૫ દિવસ માટે જો આ બ્રિજ બંધ કરી દેવામાં આવે તો તેઓને ખેરગામ તરફ જવા માટે કુંડી ફાટક થઈ અથવા તો ધરમપુર ચોકડી થઈને જવાની ફરજ પડશે સ્થાનિક લોકોએ આ સમગ્ર બાબતે રેલવેને રજૂઆત કરી પરંતુ રેલવે દ્વારા તેઓને એવું કહેવાયું કે રેલવે માટે આ બ્રિજ માત્ર વરસાદી પાણીના નિકાલ માટેનો બ્રીજ છે, જેથી આ બ્રીજને ખુલ્લો રાખી શકાય નહીં અને રેલવે તેમના નિયમ મુજબ બંધાયેલી છે. જેના કારણે વૈકલ્પિક વ્યવસ્થા પાલિકા દ્વારા જ કરવામાં આવે તે ઉચિત છે.
જોકે વલસાડ નગરપાલિકા દ્વારા રોજિંદા આ બ્રિજ નીચેથી પસાર થતા લોકો માટે અત્યાર સુધી કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી, મોગરા વાડી ધમડાચી ગુંદલાવ ઘડોઇ ગોરવાડા પાલન મુળી ફણસવાડા કલવાડા સેગવા પીઠા ધોબીકુવા અને ખેરગામ જેવા અનેક ગામોના લોકોને ૭૫ દિવસ સુધી આ અંડર બ્રિજ બંધ રહેવાને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે.
મહત્વનું છે કે વલસાડ શહેર માટે બનાવવામાં આવેલ હિન્દુ સ્મશાન ભૂમિએ પણ મોગરાવાડીમાં આવેલી છે અને વલસાડ શહેરમાં જો કોઈ મૃત્યુ પામે તો તેની અંતિમક્રિયા કરવા માટે તેઓને આ બ્રિજ નીચેથી જ પસાર થઈને મોગરાવાડી સુધી જવું પડે ત્યારે ૭૫ દિવસ સુધી જો આ અંડર બ્રિજ બંધ રાખવામાં આવે તો વલસાડના શહેરીજનો માટે પણ નનામી લઈ જવા માટે વિકટ પરિસ્થિતિ સર્જાય તો નવાઈ નહીં
વલસાડ નગરપાલિકાના વિપક્ષના સભ્યએ જણાવ્યું કે પાલિકાને સમગ્ર બાબતની જાણકારી હતી તેમ છતાં પાલિકા દ્વારા લોકોની આવન-જાવન માટે કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી અને અચાનક 20 તારીખથી આ રેલ્વે અંડરબ્રીજ બંધ કરી દેવાની જાહેરાત થતાં હવે સહન કરવાનો વારો લોકો આવશે તેમ છતાં પણ કેટલાક વૈકલ્પિક માર્ગ માટે મોગરાવાડીના સ્થાનિક લોકોએ પાલિકામાં દરખાસ્ત મૂકી છે.